________________
છેલ્લો અહંકાર I ૧૯
બાહુબલીએ મુઠ્ઠી ઉગામી. આ પડી કે પડશે ! પણ અરે, ઉગામેલી એ મુઠ્ઠી અડધે રસ્તે જ કેમ થંભી ગઈ ? આ પ્રહારના પરિણામનો વિચાર બાહુબલીના અંતરને વલોવી ગયો. એમને થયું : શું આ બળનો ઉપયોગ ભાઈના નાશ માટે કરવો ? અહંકારના પોષણ માટે કરવો ? જેને પિતાજીએ તણખલા જેવું સમજીને તજી દીધું એ રાજ્ય માટે કરવો ? સર્યું આવા રાજ્યથી, આવા અહંકારથી અને આવા હિંસક બળથી !
તો હવે કરવું શું ? આ ઉગામેલી મુઠ્ઠી નિષ્ફળ તો ન જ જાય. તો પછી એનાથી અહંકારનો કાંટો જ કેમ ન કાઢી નાખવો ?
અને જોનારા જોતા રહ્યા, રાજા ભરત વિમાસતા રહ્યા અને એ ઉગામેલી મુઠ્ઠીથી પોતાના મસ્તકનું મુંડન કરીને રાજા બાહુબલી યોગી બની ગયા.
ધરતી ઉપરથી દાણા ઉપાડતાં જો સાવધાની ન રહે તો કેટલાક દાણા વેરાઈ જાય; અને વખત આવે એમાંથી છોડ ઊગી નીકળે. યોગી બાહુબલીને પણ કંઈક એવું જ થયું.
મુઠ્ઠીના પ્રહારથી એણે અહંકારને ખેંચી તો કાઢ્યો, અને પિતાજીના ચરણે બેસીને આત્મસાધના કરવાનો સંકલ્પ પણ કર્યો, પણ .અહંકારે ઊખડતાં ઊખડતાં પણ કંઈક બીજ બાકી રાખ્યાં હતાં. એમને થયું : અધૂરી આત્મસાધનાએ જો પિતાજી પાસે જઈશ તો મારે સાધુજીવનને વરેલા મારા અઠ્ઠાણું નાના ભાઈઓની ચરણવંદના કરવી પડશે. હું તો રહ્યો મોટો ભાઈ ! મારાથી એ કેમ થાય ? એમાં તો હું હલકો દેખાઉં !'
બાહુબલીના મનમાં ફરી અહંકારનું વિષ વ્યાપી રહ્યું. એમણે નિશ્ચય કર્યો : તો પછી આત્મસાધના પૂરી કરીને અને મહાન જ્ઞાની બનીને જ ભગવાન પાસે કાં ન પહોંચું કે પછી કોઈને નમવાની વાત જ ન રહે ?
અહંકારે યોગીને પણ યોગનો સાચો માર્ગ ભુલાવી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org