________________
૧૫
નિર્મોહી ગુરુ
*
--
-
-
ગાગ્ય નામના આચાર્ય જેમ વયોવૃદ્ધ હતા તેમ જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવૃદ્ધ પણ હતા.
સુપથ્ય આહાર જેમ તનને તંદુરસ્ત અને મનને સ્વસ્થ બનાવે એમ જ્ઞાન અને વૈરાગ્ય એમના અંતરમાં વ્યાપી ગયાં હતાં અને એમના જીવનને નિર્મળ તેમ જ આત્માને દીપ્તિમંત બનાવી રહ્યાં હતાં.
તપ, ત્યાગ અને તિતિક્ષારૂપી ત્રિવેણીસંગમને આરે એ સદાકાળ વસવાટ કરતા અને આત્મનિમજ્જનનો અપૂર્વ આલાદ અનુભવ્યા કરતા.
એમનું તપ અંત સ્પર્શી હતું, બાહ્ય આડંબર, વાહવાહની અપેક્ષા કે લોકૈષણાનું એમાં નામનિશાન ન હતું. આત્મમળને દૂર કરવો એ એનો ઉદ્દેશ હતો.
એમનો ત્યાગ સંયમ અને વૈરાગ્યને પ્રેરનારો હતો. થોડું ત્યજીને ઝાઝું મેળવવાની એમાં આકાંક્ષા ન હતી. અસહ્ય ભાર-બોજથી દબાઈ રહેતો માનવી એક એક વસ્તુનો બોજ દૂર થવાથી જે નિરાંત અને આનંદ અનુભવી રહે એવી શાતા તેઓ અનુભવી રહ્યા હતા.
અને તિતિક્ષાને તો એ આત્મતેજને પ્રગટાવવાનું અપૂર્વ સાધન જ માનતા. જેમ જેમ કષ્ટો સહન કરતા જઈએ, તેમ તેમ આત્માનાં ઓજસ જાગતાં જાય એમ તેઓ માનતા હતા. એટલે એ તિતિક્ષાની પાછળ કીર્તિ અને નામનાની કામનાનો લવલેશ પણ અંશ ન હતો – જેને બહુમૂલાં રત્નોનો નાદ લાગ્યો હોય એ ક્ષણભર ભારે ચળકાટ મારતા કાચમણિ પાછળ કદી પણ દોડે ખરો ?
એટલે સુખ-દુઃખમાં, સારા-નરસામાં અને સ્વ-પરમાં સમભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org