________________
પાંચ જનમની પ્રીત ૧૨૫
સ
આથમતી સંધ્યાએ જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી ઉઘાનક્રીડાએથી પાછા ફર્યા ત્યારે એમનાં નેત્રો ઢળી ગયાં હતાં. વનની મનોહારિણી શોભા નીરખવાનો એમને અવકાશ ન હતો. નેત્રો નીચાં ઢાળીને જાણે એ અંતરમાં કંઈક શોધ ચલાવી રહ્યા હતા.
ચક્રવર્તીને આજે કોઈનો સહવાસ ગમતો નથી. એમનું દિલ એકાંતને ઝંખી રહ્યું છે. રાજમહાલયના એકાંત ઓરડામાં જઈને એ અંતરના પટ ઉખેળવા મથી રહ્યા છે.
એક પછી એક પટ ભેદાતો જાય છે, અને કોઈ કાળજૂની ઘટનાની નજીક ને નજીક એ સરતા જાય છે. છેવટે એ ધન્ય ઘડી આવી લાગે છે, અંતરમાં તેજ-ઝબકારો થાય છે અને જુગજુગજૂની ઘટનાનો ક્રમ જાણે એમના અંતરપટ ઉપર અંકિત બની જાય છે. ચક્રવર્તી શું જુએ છે ?
એમનાં અંતરચક્ષુ કાળના અમાપ પટ ઉપર ફરી વળે છે અને ત્યાં એ જુએ છે કે એ પટ ઉપર એક બાંધવ-બેલડી સાથે ને સાથે જ ફર્યા કરે છે; સુખમાં પણ સાથે અને દુઃખમાં પણ સાથે, આનંદમાં પણ એકરૂપ અને આફતમાં એકરૂપ. ખેલ-કૂદમાં અને તપ-જપમાં પણ એમની જોડ અખંડ જ રહે છે ! કાયા બે છે, પણ જીવ તો જાણે એક જ છે ! અને આ પ્રીત પણ કેવી પુરાણી છે !
ચક્રવર્તીનાં અંતરચક્ષુ જાણે ભવોભવના પડદા વીંધવા લાગે છે. એ બે ભાઈની જોડી. બે જીવની જનમપ્રીત. અને તે પણ એક જનમની નહીં, બે જનમની નહીં, ત્રણ કે ચારની પણ નહીં, પાંચ-પાંચ જનમની એ પ્રીત ! પાંચ પાંચ જનમ લગી બે ય સદા સાથે ને સાથે જ. વાહ રે વિધિ, તારા ખેલ ! ચક્રવર્તીની વિચારમાળા વધુ ઘેરી બનતી જાય છે અને એક એક ઘટના અંતરપટ ઉપર હૂબહૂ રૂપ ધારીને જાણે સજીવન બની જાય છે.
[૨]
ચક્રવર્તી જુએ છે પહેલો જનમ.
દશાર્ણ નામનો દેશ છે, ત્યાં બે ય ભાઈ દાસરૂપે જન્મે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org