________________
ડૉ. ઉપાધ્યે
(૧૮) પ્રતિભાશીલ સારસ્વત ડૉ. ઉપાધ્યે
તેઓનું પૂરું નામ શ્રી આદિનાથ નેમિનાથ ઉપાધ્યે. ધર્મે તેઓ જૈન (દિગંબર) હતા. તેઓનું વતન મહારાષ્ટ્રના બેલગામ જિલ્લાનું સદાલ્ગા (Sadalga) ગામ. તેઓનો જન્મ તા. ૬-૨-૧૯૦૬ના રોજ થયો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ બેલગામમાં અને ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર અને સાંગલીમાં લઈને, સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે, પ્રથમ વર્ગમાં બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી.
૭૫
પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી એમણે સને ૧૯૩૦ની સાલમાં, પ્રથમ વર્ગમાં, એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. એમ.એ.ના અભ્યાસ માટે એમણે પ્રાકૃત-અર્ધમાગધી અને સંસ્કૃત વિષયો લીધા હતા; એટલે સ્વાભાવિક રીતે જ એમની નિર્ભેળ વિદ્વત્તા, ઉત્કટ ધ્યેયનિષ્ઠા અને વિરલ કાર્યશક્તિનો વિશેષ લાભ, એક યા બીજા રૂપમાં, ઘણે મોટે ભાગે જૈનવિદ્યાની કોઈ ને કોઈ શાખાના અધ્યયન, અધ્યાપન અને સંશોધનરૂપે જ મળતો રહ્યો હતો. એમ. એ. થયા પછી, નવ વર્ષ બાદ, એમણે મુંબઈ યુનિવર્સિટીની ડિ. લિ. ની પદવી મેળવી હતી. વિદ્યાસાધનાના ક્ષેત્રમાં ડિ. લિ.ની પદવી સર્વોચ્ચ લેખાય છે. અધ્યયન-સંશોધનની અસાધારણ ગુણવત્તા ધરાવનાર મહાનિબંધના કર્તાને જ આ પદવી આપવામાં આવે છે.
તેઓનું વતન તો, ઉપર સૂચવ્યું તેમ, સદાલ્ગા ગામ હતું; પણ એમણે કૉલેજ-કક્ષાનું અધ્યયન કોલ્હાપુરમાં કર્યું. ત્યારથી જ્ઞાત-અજ્ઞાતપણે, કોલ્હાપુર તરફ એમના અંતરમાં આત્મીયતાની લાગણી ધીમે-ધીમે દૃઢમૂળ થતી હતી. આનું પરિણામ છેવટે એ આવ્યું કે તેઓએ, સને ૧૯૩૦માં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી, પોતાના કાર્યક્ષેત્ર તરીકે કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાવાનું પસંદ કર્યું. આ સતત જાગૃત અને કર્મનિષ્ઠ વિદ્યાપુરુષને પોતાની કૉલેજની અધ્યાપનની પ્રવૃત્તિ ઉપરાંત, પ્રશાંતપણે અને એકાગ્રભાવે, ગ્રંથ-સંશોધનસંપાદનની પ્રવૃત્તિ માટે, કોલ્હાપુર એવું અનુકૂળ આવી ગયું કે પગારની બઢતી કે વધારે ઊંચા સ્થાનની પ્રાપ્તિનું કોઈ પણ પ્રલોભન એમને કોલ્હાપુર છોડીને અન્ય સ્થાને જવા માટે ક્યારેય આકર્ષી ન શક્યું. ૫૬ વર્ષની વયે, સને ૧૯૬૨ની સાલમાં તેઓ એ સ્થાનેથી ૩૨ વર્ષ બાદ નિવૃત્ત થયા.
જે વ્યક્તિને વિદ્યાપ્રવૃત્તિ એ જ શ્વાસ અને પ્રાણરૂપ હોય, અને ઉંમર વધવા સાથે જેની સત્યશોધક બુદ્ધિનું તેજ ઘટવાને બદલે વધતું જતું હોય, એ વ્યક્તિની નિવૃત્તિ એ બીજી વધારે વ્યાપક પ્રવૃત્તિની પ્રેરક બને એમાં શી નવાઈ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org