________________
૪૪
અમૃત-સમીપે
તે સાથે શુષ્ક ગણાતા વિષયનો અભ્યાસ કરી પોતાના યુનિવર્સિટીના અભ્યાસની પૂર્ણાહુતિ કરી હતી...સન ૧૯૨૮માં એમણે ભારતની યાત્રા પણ કરી હતી, અને તે વખતે આપણા દેશની કેટલીક જૈન સંસ્થાઓ અને વ્યક્તિઓની ખાસ મુલાકાત દ્વારા જૈનધર્મ અને સંપ્રદાયનો વિશેષ પરિચય મેળવ્યો હતો...એ બધા ઉપરથી મને જણાયું કે ડૉ. ગ્લાઝેનપ જૈન સંસ્કૃતિનું બહુ જ સહાનુભૂતિપૂર્વક અધ્યયન કરનારાઓમાંના એક છે.”
પણ આ ઉપરથી એમ માની લેવાની જરૂર નથી કે તેઓ એકલા જૈનધર્મના જ વિશેષજ્ઞ વિદ્વાન હતા; ઉપર કહ્યું તેમ બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના પણ તેઓ એવા જ મર્મજ્ઞ વિદ્વાન હતા. અને તેથી જ ૧૯૫૧-૫૨ની સાલમાં દિલ્હીમાં યુનેસ્કોના આશ્રયે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને લગતી ચર્ચાસભા યોજવામાં આવી હતી ત્યારે, તેમ જ સને ૧૯૫૬માં ભગવાન બુદ્ધના ૨૫૦૦ના મહાપરિનિર્વાણવર્ષની ઉજવણી પ્રસંગે એમને ભારત આવવાનું ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પણ તેઓ અનેક વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. સને ૧૯૨૪ની સાલમાં એમણે બર્લિન યુનિવર્સિટીમાં ભારતીય રહસ્યવાદીઓ (mystics) ઉપર ભાષણ આપ્યું હતું. અને એમાં જૈનધર્મ, વેદાંત, યોગ, ભક્તિમાર્ગ, શાક્તસંપ્રદાય અને બૌદ્ધધર્મ જેવા વિષયોની ચર્ચા કરી હતી. અને ૧૯૨૬માં અમેરિકાની સાત યુનિવર્સિટીઓમાં ભારતીય તત્ત્વજ્ઞાન ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં.
સાંસ્કૃતિક ક્ષેત્રની એમની વિશિષ્ટ નોંધપાત્ર સેવાઓની કદર રૂપે જર્મનીની ફેડરલ રિપબ્લિક સરકારે એમને ઑર્ડર ઑફ મૅરિટ'નું બહુમાન આપ્યું હતું. ડૉ. ગ્લાઝેનપ અખિલ ભારતીય સંસ્કૃત પરિષદના સભ્ય હતા, અને ભારતીય સંસ્કૃતિને લગતું એમનું છેલ્લું પુસ્તક ‘જર્મન કવિઓ ઉપર ભારતીય વિચારસરણીનો પ્રભાવ' એ વિષયને લગતું હતું.
પહેલા વિશ્વયુદ્ધમાં જેમ એમને સખત આર્થિક ભીંસમાં સપડાવું પડ્યું હતું, તેમ બીજા વિશ્વયુદ્ધમાં એમની અમૂલ્ય મૂડી સમા પાંચ હજાર ગ્રંથોનો સંગ્રહ ભસ્મીભૂત થઈ ગયો હતો. પણ પુસ્તકો તો એમના શ્વાસ અને પ્રાણ સમાં હતાં; એટલે પોતાની મર્યાદિત આવકમાંથી એમણે ફરી ગ્રંથસંગ્રહ કરવા પ્રયત્ન કર્યો હતો.
તેઓ આવતા વર્ષે નવી દિલ્હીમાં ભરાનાર આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં હાજરી આપવાના હતા; પણ તે પહેલાં તો તેઓ મહાપ્રવાસે ચાલ્યા ગયા ! ડૉ. ગ્લાઝેનપ સરસ્વતી-ઉપાસનામાં એવા તો ઓતપ્રોત હતા કે એને લીધે એમને જાણે દુન્યવી બાબતોનો વિચાર કરવાનો જ અવકાશ નહોતો મળ્યોઃ તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org