________________
૫૦
અમૃત-સમીપે
દેશમાં પાછા આવ્યા પછી એમણે મોન્ટેસરી પદ્ધતિથી બાળશિક્ષણના પ્રસાર માટે બાલમંદિરની સ્થાપના કરી, મેલેરિયાના ઉગ્ર ઉપદ્રવમાં લોકોને રાહત આપવા માટે વ્યાપારીમંડળ-દવાખાનાની સ્થાપના કરી અને દર્દીઓને દવા અને મોસંબી વિનામૂલ્યે કે અલ્પમૂલ્યે મળી રહે એવી વ્યવસ્થા કરી. પચીસેક વર્ષની વયે પહોંચેલા શ્રી મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનો એ ઉષઃકાળ.
૧૯૪૩-૪૪માં તેઓ મુંબઈ પહોંચ્યા. ગયા તો હતા એ વેપાર ખેડવા, પણ એમણે મુંબઈમાં જઈને લોકસેવાની ખેતી શરૂ કરી ! અને મુંબઈમાં રહ્યા-રહ્યા સુરેન્દ્રનગરની જનસેવાની પ્રવૃત્તિઓ નિશ્ચિતપણે ચાલતી રહે અને નવી-નવી વિકસતી રહે એનું તેઓ ધ્યાન રાખતા ગયા.
અને આ સેવાવ્રતી મહાનુભાવને સેવાવ્રતીઓનું અને સખાવતીઓનું એક જૂથ પણ મળી ગયું; કાળક્રમે એમની સેવાપ્રવૃત્તિઓ શતમુખે વિકસવા લાગી, અને ધીમે-ધીમે સુરેન્દ્રનગર કેળવણી અને બીજી સંખ્યાબંધ સેવાસંસ્થાઓનું તીર્થધામ બની ગયું.
એક વખતનું સામાન્ય વઢવાણ-‘કાંપ' (કૈંપ) આજે બાળમંદિરથી લઈને ઉચ્ચ કેળવણીનાં વિદ્યાધામો, કન્યાશાળાઓ, છાત્રાલયો અને આરોગ્ય તથા લોકસેવાને વરેલી અનેક સંસ્થાઓથી શોભતું, ઝાલાવાડ જિલ્લાનું નમૂનેદાર શહેર બની શક્યું છે; અને હવે તો ત્યાં નાનામોટા ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે. એમાં શ્રી મનસુખભાઈનો ફાળો કંઈ નાનોસૂનો નથી ખરી રીતે એમણે જ પ્રાણરૂપ બનીને આ બધી સંસ્થાઓને વેગ આપ્યો છે. બાળકેળવણી-મંડળ અને સુરેન્દ્રનગર ઍજ્યુકેશન સોસાયટીએ, શ્રી મનસુખભાઈની પ્રેરણાથી, જાણે કેળવણીના ક્ષેત્રે સુરેન્દ્રનગરની કાયાપલટ જ કરી દીધી છે.
સુરેન્દ્રનગરનાં દવાખાનાં પણ માન મુકાવે એવાં છે. એકેએક જાતની સારવારની ત્યાં જોગવાઈ થઈ ગઈ છે; અને બાર લાખના ખર્ચે તૈયાર થઈ રહેલ મહાત્મા ગાંધી હૉસ્પિટલ તો શહેરનું નાક અને મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનું સ્મારક બની રહ્યું છે. બહેનો માટેનું વિકાસ-વિદ્યાલય આજે નિશ્ચિતપણે કામ કરી રહ્યું છે, કસ્તૂરબા સેનેટોરિયમ લોકોને રાહત આપી રહ્યું છે, અંધવિદ્યાલય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ કંઈક દીન-દુઃખીજનોને આશ્વાસનરૂપ બની રહ્યાં છે. આ બધી સંસ્થાઓ શ્રી મનસુખભાઈનું જીવંત સ્મારક બની રહેશે.
સુરેન્દ્રનગરની જૈન સંસ્થાઓને પણ શ્રી મનસુખભાઈએ ખૂબ સેવાઓ આપી હતી. વળી એમની આકાંક્ષા તો સણોસરાની લોકભારતી જેવી લોકશિક્ષણની સંસ્થા સુરેન્દ્રનગરના આંગણે ઊભી કરવાની હતી, અને આ માટે એમણે કેટલીક પૂર્વતૈયારી પણ કરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org