________________
૩પ
૫. મહેન્દ્રકુમારજી
(૧) સમર્થ દર્શનશાસ્ત્રી પં. મહેન્દ્રકુમારજી
નખમાં પણ રોગ ન લાગે એવું તંદુરસ્ત શરીર, કોઈથી પણ ભય ન પામે એવી હિંમત, એક કાર્ય કરવાનો નિશ્ચય કર્યો તે પછી એને સાંગોપાંગ પાર ઉતારીને જ જંપે એવું દઢ મનોબળ, કાર્ય કરવાની પાછળ ઊંઘ કે આરામની મુદ્દલ ખેવના ન રાખે એવી ખડતલ વૃત્તિ, આળસ કે નિષ્ક્રિયતાને પાસે પણ ન આવવા દે એવો અદમ્ય ઉત્સાહ, નવી-નવી વિદ્યાઓને ત્વરિત ગતિએ આત્મસાત્ કરવાની કુશાગ્રબુદ્ધિ, પોતાના વિષયનું સાંગોપાંગ અવગાહન કરનારું પાંડિત્ય – આવા આવા અનેક ગુણોથી શ્રી મહેન્દ્રકુમારજીનું જીવન સમૃદ્ધ હતું.
શરૂઆતમાં પોતાના વતન ખુરઈમાં અભ્યાસ કરીને પછી ઇંદોરમાં રહીને જેને સિદ્ધાંતશાસ્ત્રીની અને “ચાયતીર્થની પદવી મેળવ્યા બાદ તેઓએ બનારસની એક મોટી દિગંબર જૈન સંસ્થા “સ્યાદ્વાદ મહાવિદ્યાલયમાં બાર-તેર વર્ષ સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પણ એમણે કેટલોક વખત ધાર્મિક અધ્યાપક તરીકે કામ કર્યું હતું.
પરંતુ આજીવિકા માટે અધ્યાપક તરીકેની કામગીરી સતત બજાવવા છતાં તેઓ ક્રમે-કમે પોતાના શાસ્ત્રીય અધ્યયનમાં આગળ વધતા રહ્યા અને પોતાનું જ્ઞાન ઊંડું તેમ જ વ્યાપક કેવી રીતે બને એ માટે નિરંતર પ્રયત્ન કરતા રહ્યા.
ધીમેધીમે એમણે જૈન દર્શનને કેન્દ્રમાં રાખીને, જૈનધર્મનો ઊંડો અભ્યાસ કરવાની સાથે ઇતર ભારતીય દર્શનોનો પણ અભ્યાસ કરવા માંડ્યો; અને એ અભ્યાસમાં ઉત્તરોત્તર આગળ વધીને એમણે એક સમર્થ દર્શનશાસ્ત્રી તરીકે નામના મેળવી હતી. પંડિત શ્રી સુખલાલજી અને શ્રી દલસુખભાઈ માલવણિયાના સંપર્ક એમને આ દિશામાં ખૂબ પ્રેરણા આપી હતી.
એમણે દિગંબર જૈન આચાર્યોએ રચેલા કઠણમાં કઠણ મનાતા અનેક દાર્શનિક ગ્રંથોનું સંપાદન કરીને એમને પ્રકાશિત કર્યા હતા. એમણે સંપાદિત કરેલા એ મૂળ ગ્રંથો, તેમ જ એ ગ્રંથો સાથે જોડાયેલી એમની વિદ્વત્તાપૂર્ણ અને માહિતીપૂર્ણ પ્રસ્તાવનાઓ પંડિતશ્રી મહેન્દ્રકુમારજીના પાંડિત્યની સાખ પૂરે એવાં તેમ જ એમની યશપતાકાને ચિરંજીવી બનાવે એવાં છે.
જૈન દર્શનના એક ઉચ્ચ કોટિના વિદ્વાન હોવાની સાથેસાથે એમણે ઇતર દર્શનોનું પણ કેવું ઊંડું અધ્યયન કર્યું હતું, એ વાત બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એમની નિમણૂક બૌદ્ધ દર્શનના પ્રોફેસર તરીકે કરવામાં આવી હતી એ ઉપરથી પણ જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org