________________
પપપ
શ્રી ખીમજી માડણ ભુજપુરિયા
શ્રી ખીમજીભાઈની વિચક્ષણ બુદ્ધિએ તે વખતની રાજભાષા અંગ્રેજીનું મહત્ત્વ બરાબર પિછાણી લીધું હતું. એટલે વેપાર અને સેવાપ્રવૃત્તિની સાથે-સાથે, એમણે ખાનગી વર્ગમાં હાજરી આપીને અને ખંતપૂર્વક મહેનત કરીને, અંગ્રેજીનું સારું જ્ઞાન પણ મેળવી લીધું હતું. એમાં વળી એમણે અંગ્રેજીનું એક જૂનું ટાઈપરાઈટર ખરીદી ટાઈપ કરવાનું પણ શીખી લીધું; એટલે પછી, આવી અરજીઓ લખી આપવાનું કામ તેઓ વધારે મોટા પ્રમાણમાં કરવા લાગ્યા. પોતાની અરજીઓથી દીન-દુઃખી ભાઈઓની ફરિયાદો અને મુસીબતોનું નિવારણ થતું જોઈને એમના સેવાઘેલા આત્માને ખૂબ હર્ષ અને સંતોષ થતો.
એમના ભણતર કરતાં એમનું ગણતર અનેકગણું વધારે છે; અને એને ય ચડી જાય એવી છે એમની વ્યાપારી આવડત અને લોકસેવક તરીકેની કલ્યાણબુદ્ધિ. ઉપરાંત સ્વીકારેલી જવાબદારીથી પીછેહઠ કરવાનું એમના સ્વભાવમાં જ નથી. પ્રબળ ઇચ્છાશક્તિ, દૃઢ મનોબળ, કાર્યસૂઝ, પરિશ્રમશીલતા, ગમે તેવું કામ પણ નાનપ કે સૂગ અનુભવ્યા વગર ઉલ્લાસપૂર્વક કરવાની ટેવ, સાહસિકતા, નિર્ભયતા વગેરે અનેક ગુણો અને શક્તિઓ એમને નહીં કલ્પેલી સફળતા અપાવી જાય છે. [આ પછીના બે ખંડિત ફકરાનો સાર : (૧) તેઓ વેપારી આલમમાં ખૂબ પ્રીતિપાત્ર અને પૂછ્યા-ઠેકાણું છે. અનેક અટપટા પ્રશ્નોના ઉકેલ પોતાની કુશાગ્ર-બુદ્ધિથી કાઢી આપે છે. નવું-નવું જાણવાની એમની તાલાવેલી પણ દૃષ્ટાંતરૂપ છે. (૨) મહાત્મા ગાંધીની સ્વાતંત્ર્યની ચળવળમાં પણ તેમણે ઊંડો રસ દાખવીને પોતાનો વિનમ્ર ફાળો આપ્યો હતો. એથી એમનું જીવન નિષ્કલંક, નિઃસ્વાર્થ અને કર્તવ્યનિષ્ઠ રહી શક્યું છે. ]
એમના વ્યક્તિત્વને સમગ્રરૂપે મૂલવીએ તો એમાં માનવતામૂલક ધર્મભાવના, નિર્ભેળ રાષ્ટ્રભાવના અને વ્યાપક જનસમૂહની સેવાની ભાવનાનો ત્રિવેણીસંગમ સધાયો છે. તેથી કોઈ પણ સ્થાને સસ્તી કીર્તિ રળવાનો પ્રયત્ન તેઓ ક્યારેય કરતા નથી. ઓછામાં ઓછું બોલવું અને વધારેમાં વધારે કામ કરવું એ એમનો સહજ સ્વભાવ બની ગયો છે. વળી તેઓ મર્દાનગીના પ્રશંસક અને ઉપાસક છે.
વેપારી ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતી તેમ જ જૈન તેમજ ઇતર સમાજની સેવાના ધ્યેયને વરેલી અનેક સંસ્થાઓની એમણે સ્થાપના કરી-કરાવી છે, તેમ જ આવી અનેક સંસ્થાઓને પોતાની આવડત અને કાર્યનિષ્ઠાનો લાભ આપ્યો છે; અત્યારે પણ યથાશક્તિ આપી રહ્યા છે.
એમની રાષ્ટ્રીય ભાવનાને કારણે કેન્દ્ર તથા રાજ્ય સરકારે પણ અનેક પ્રસંગે અનેક કાર્યો માટે એમની સેવાનો લાભ લીધો છે. મુંબઈમાં અનાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org