________________
૫૫૪
અમૃત-સમીપે ખીમજીભાઈ અલબેલી મુંબઈ નગરીની સંપત્તિ અને સાહ્યબીની કંઈ-કંઈ વાતો સાંભળતા, અને એમનું મન મુંબઈ પહોંચી જવા તલપાપડ બની જતું. સમય જતાં એમની આ ઇચ્છા એવી અદમ્ય બની ગઈ કે છેવટે હઠ કરીને તેઓ દેશમાં મળવા આવેલાં પોતાનાં માતા-પિતા સાથે મુંબઈ પહોંચી ગયા ! ત્યારે એમની ઉંમર સાત વર્ષની હતી. એમ લાગે છે કે માતા-પિતાની અનિચ્છા છતાં હઠ કરીને તેઓ મુંબઈ ગયા એની પાછળ શુભ સંકેત છુપાયેલો હતો.
મુંબઈમાં એમણે એમના પિતાશ્રીની અનાજની દુકાનમાં કામ કરવાનું અને સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું. બુદ્ધિ તેજસ્વી હતી, અને નવું-નવું ભણવાજાણવાની જિજ્ઞાસા પણ ઉત્કટ હતી. એટલે અભ્યાસમાં અને પરીક્ષામાં તેઓ હમેશાં આગળ રહેતા. પણ ભાગ્યયોગે અંગ્રેજીના પહેલા ધોરણ એટલે કે ગુજરાતીના પાંચમા ધોરણથી અભ્યાસ પડતો મૂકવો પડે અને કુટુંબની કમાણી વધારવા વ્યવસાયમાં એકાગ્ર થવું પડે એવા સંજોગો ઊભા થયા.
પણ પોતાનું ધાર્યું ન થાય તેથી હતાશ કે ખિન્ન થવાનું શ્રી ખીમજીભાઈના સ્વભાવમાં જ નહિ. તેઓ પરિસ્થિતિને પારખી જઈને પોતાની પ્રવૃત્તિની કે કાર્યવાહીની દિશાને નવો વળાંક આપવામાં કુશળ હતા. એટલે એમણે પોતાના પિતાના પરિચિત અને પોતાના કુટુંબના હિતસ્વી શેઠ શ્રી ચાંપશી રણશી ગોગરીની દુકાનમાં નોકરી સ્વીકારી લીધી, અને પોતાની કાબેલિયત, કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી શ્રી ચાંપશીશેઠનો એવો સ્નેહ જીતી લીધો, કે માત્ર ૧૮-૧૯ વર્ષની વયે જ, શ્રી ચાંપશીભાઈએ એમને પોતાના વેપારમાં ભાગીદાર બનાવી દીધા ! એમના ભાગ્યનો સિતારો ત્યારથી વધુ ને વધુ ખીલતો ગયો.
શ્રી ચાંપશીભાઈના સંગથી શ્રી ખીમજીભાઈની આર્થિક સ્થિતિ સુધરવા લાગી એ તો ખરું, પણ એમના સત્સંગથી તથા એમની હેતાળ અને ઉદાર કપાદૃષ્ટિથી શ્રી ખીમજીભાઈને પોતાની શક્તિઓને વધારે ખિલવવાનો અને પોતાની ગુણસંપત્તિ તથા પરગજુવૃત્તિમાં વધારો કરવાનો જે વિરલ લાભ મળ્યો તે અમૂલ્ય હતો; એને આજે પણ તેઓ ઊંડી કૃતજ્ઞતાની લાગણીપૂર્વક યાદ કરે છે. એ બે વચ્ચે પિતા-પુત્ર જેવો આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો.
આ રીતે જીવનની પહેલી વીશી થતાં સુધીમાં જેમ શ્રી ખીમજીભાઈના વેપારનો વિકાસ થતાં તેઓ આર્થિક રીતે સધ્ધર બનતા ગયા, તેમ એમના જાહેરજીવનનો તથા સમાજના ગરીબ અને સામાન્ય ગણાતા માનવીઓનાં કામો કરી આપવાની એમની પરગજુવૃત્તિનો પણ વિકાસ થવા લાગ્યો. એ ઉમરે પોતાના વેપાર પ્રત્યે તેઓ ધ્યાન આપતા, તેમ ગરીબ અને પરેશાન મજૂરોની ફરિયાદોની અરજીઓ પણ, કેવળ માનવતાની ભાવનાથી લખી આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org