________________
૫૨૪
અમૃત-સમીપે
પંચોતેર વર્ષની પાકી ઉંમરે શ્રી મોહનકાકા ચિત્તની પૂર્ણ સ્વસ્થતા સાથે, ગત પોષ વદિ ૧૧ના દિવસે, ચિરનિદ્રામાં પોઢી ગયા, અને ભગવાન પાસે રોજ કરવામાં આવતી સમાધિમરણની યાચનાને સાચી કરી ગયા !
એમનું પૂરું નામ મોહનલાલ ગિરધરલાલ ભોજક, વ્યવસાય લહિયાનો અને વિધિવિધાન કરાવવાનો. પૈસાનો મોહ એમને ક્યારેય વિચલિત કરી શક્યો નહીં. પ્રામાણિકતાથી મહેનત કરીને જે કંઈ મળે તેથી જ એમણે સંતોષ માન્યો, અને ઘરના અને વ્યવહારના ખર્ચની મૂંઝવણની વચ્ચે પણ મનની સ્વસ્થતાને ટકાવી રાખી જાણી. એમના જીવનનો એ જ આનંદ હતો.
એમની ધાર્મિક ક્રિયાઓ જડ કે દેખાવ પૂરતી નહીં, પણ જીવનસ્પર્શી રહેતી. પ્રભુદર્શન, પ્રભુસ્તુતિ કે પ્રતિક્રમણ એવી તન્મયતાપૂર્વક કરતા કે જાણે પોતાની જાતને વીસરી જતા. અહંનો ગર્વ ગળી જાય તો જ સોહંનો નિજાનંદ પ્રગટે એ વાત તેઓ બરાબર સમજતા અને જીવનમાં ઉતારવા માટે જાગૃત રહેતા. અધર્મની વાત કે અનીતિનું ધન એમને ખપે જ નહીં.
અઠ્ઠાવીસ વર્ષની સાવ યુવાન વયે એમનાં પત્ની ગુજરી ગયાં; સંતાનમાં માત્ર એક જ ચારેક વર્ષનો પુત્ર. પણ શ્રી મોહનભાઈએ ફરી લગ્ન ન જ કર્યાં આવી જીવનસ્પર્શી હતી એમની ધર્મ ઉપરની આસ્થા. દહેરું, અપાસરો અને શ્રાવકજીવન ઉપર એમને અંતરંગની પ્રીતિ હતી.
-
એક વખત એમના પુત્ર પંડિત શ્રી અમૃતલાલભાઈ કોઈક કામમાં સારી કમાણી કરીને આવ્યા; એમને થયું બાપા આ જાણશે તો બહુ રાજી થશે. એમણે હોંશે-હોંશે વાત કરી, પણ શ્રી મોહનભાઈ તો ઠંડે કલેજે એ સાંભળી રહ્યા; એમાં વળી બહુ હરખાઈ જવાનું કેવું ? તે દિવસે શ્રી અમૃતભાઈએ એમના પિતાશ્રીને જુદા જ રૂપે પિછાણ્યા. કુટુંબ વધે તેમ કમાણી પણ વધારવી જોઈએ; તો જ ઘર અને વ્યવહાર સરખાં ચાલે. શ્રી અમૃતભાઈ કમાણી માટે દોડધામ કરે, બહારગામ જવાનું વિચારે. શ્રી મોહનભાઈએ એમને એક દિવસ કહ્યું : “અરે ભાઈ, રહેવા ઘર છે, ખાવા ધાન છે, રૂડી-રૂપાળી નોકરી છે; પછી આવી દોડાદોડ શું કરવા કરે છે ?”
એક વાર કોઈ ધર્મક્રિયા કરનારને વિધિ કરનાર ન મળ્યા; એમણે મોહનભાઈને વાત કરી, માગ્યા પૈસા આપવા કહ્યું. વિધિ પૂરી કરીને મોહનભાઈએ ફક્ત પાંચ રૂપિયા જ લીધા. કોઈકે કહ્યું કે મોહનકાકા, આમાં તો તમે માગ્યા હોત તો એ લોકો રાજી થઈને સો રૂપિયા આપત. મોહનભાઈ કહે: “ભાઈ, એક દિવસના પાંચ રૂપિયા શું ઓછા છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org