SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લાલબહાદુર શાસ્ત્રી ૪૭૩ તેઓ તો ભારે યશસ્વી પૂર્ણ, કૃતાર્થ અને વિશ્વવત્સલ બનીને ગયા, પણ ભારતને માટે એમની આ વિદાય ભારે વસમી બની ગઈ. એમનો સાવ અણધાર્યો અકાળ સ્વર્ગવાસ રાષ્ટ્રને માટે જંગી હોનારતરૂપ જ લેખી શકાય. એમણે ખાલી કરેલું સ્થાન કોણ ક્યારે પૂરશે અને શોભાવશે ભગવાન જાણે ! શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું જીવન એ શીલ અને સંયમનું, ત્યાગ અને બલિદાનનું, તિતિક્ષા અને સમતાનું જીવન હતું; તેઓ એક સાચા રાષ્ટ્રતપસ્વી હતા. રાષ્ટ્રના કલ્યાણ માટે તેઓ જીવનભર કઠોર તપ તપતા રહ્યા, અને એ આકરું તપ કરતાં-કરતાં જ ચાલતા થયા ! * સને ૧૯૦૪માં ઑક્ટોબરની બીજી તારીખે (મહાત્મા ગાંધીજીની જન્મતારીખે) બનારસ પાસેના મુગલસરાઈ ગામમાં એક ગરીબ કાયસ્થ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ શારદાપ્રસાદ, માતાનું નામ રામદુલારીદેવી, અટક શ્રીવાસ્તવ. દોઢ વર્ષની ઉંમરે જ પિતાનું શિરછત્ર ઝૂંટવાઈ ગયું, અને ગરીબ કુટુંબની ગરીબી વધુ ઘેરી બની. અસહાય માતાને માથે એક પુત્ર અને બે પુત્રીઓનું પાલન કરવાની જવાબદારી આવી પડી. પણ માતા સાચી માતા હતી - પોતાની અસહાય અવસ્થા અને આ જવાબદારીથી જરા ય વિચલિત ન થઈ. કુટુંબનિર્વાહનું આકરું તપ તપીને એ બડભાગી માતાએ દેશને શ્રી લાલબહાદુરસમા રાષ્ટ્રતપસ્વીની ભેટ આપી. શ્રી લાલબહાદુરજી ગરીબીમાં અવતર્યા હતા, કારમી ગરીબીના કંટકભર્યા પારણે ઝૂલ્યા હતા; છતાં ગરીબીનું અમૃતપાન કરીને જ વિકસ્યા હતા, ગરીબીની ગજવેલ અંતરમાં આરોપીને આપબળે જ આગળ વધ્યા હતા! ગરીબોના બેલી બનવાનું એમનું સરજત હતું ને એ જ એમનું જીવનવ્રત હતું. રોજ મોગલસરાઈથી સાત-આઠ માઈલ ચાલીને બનારસની હરિચંદ્ર હાઈસ્કૂલમાં ભણવા જવામાં બાળક લાલબહાદુરે ક્યારેય દીનતા સેવી નહીં. ગંગા જેવી નદી પાર કરવા માટે પાસે પૈસા ન હતા; તો, દીન બનીને કોઈની પાસે ભીખ માગવા કરતાં, બહાદુર બનીને બાવડાના બળે આખી ગંગા તરી જવામાં એમણે આનંદ માન્યો ! દસ-બાર વર્ષના લાલબહાદુરની આવી હતી ખુમારી, બહાદુરી અને સાહસિકતા ! સને ૧૯૧૫માં મહાત્મા ગાંધીજીના હાથે બનારસ હિંદુ યુનિવર્સિટીનો પાયો નંખાયો. એ સમારંભમાં અગિયાર વરસના લાલબહાદુર પણ હાજર હતા. મહાત્મા ગાંધીની દેશભક્તિ, દેશમુક્તિ અને દેશની ગરીબ જનતાની સેવાની વાત એ કિશોરના અંતરને સ્પર્શી ગઈ – જાણે લોખંડને પારસમણિનો સ્પર્શ મળી ગયો! લાલબહાદુરનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy