________________
૪૧૪
અમૃત-સમીપે એક બીજી વાતની પણ અહીં નોંધ લેવી ઘટે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવી પડેલ દુષ્કાળના સંકટનું અત્યાર પૂરતું નિવારણ થયું એટલા-માત્રથી શ્રી અરવિંદભાઈને સંતોષ નથી; તેઓ તો આ પ્રદેશોમાં કમનસીબે ફરી વાર ક્યારેક પણ દુષ્કાળની આફત આવી પડે તો એવે વખતે એ પ્રદેશની જનતા એનો આપબળે સફળતાપૂર્વક સામનો કરીને પોતાની જાતને તેમ જ પોતાના પશુધનને બચાવી શકે એ રીતે એને તૈયાર કરવા માગે છે. અને એ માટે એમણે કેટલીક યોજનાઓ પણ વિચારી છે, અને એનો અમલ કેવી રીતે કરી શકાય એ ઉપર તેઓ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ બહુ જ આશાપ્રેરક અને ઉત્સાહવર્ધક સમાચાર છે. પોતાની લોકકલ્યાણની ભાવનાને આટલી હદે દોરી જવા બદલ આપણે શ્રી અરવિંદભાઈના ખૂબ ઋણી છીએ.
મૂળે તો શાહ અને બાદશાહની આ વાત છે. જે કામ ભલભલા બાદશાહ ન કરી શકે તે પોતાની મહાજન તરીકેની લોકકલ્યાણવૃત્તિથી એક શાહ કરી શકે છે !
(તા. ૮-૮-૧૯૭૦)
(૬) શાહ-સોદાગર શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ
કુદરત પણ ક્યારેક કેવી કપરી કસોટી કરે છે ! અને પોતાની આકરી કસોટીએ પાર ઊતરનારનો બેડો એ કેવો પાર ઉતારી દે છે ! સ્વર્ગસ્થ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહની યશસ્વી જીવનકથા વાંચતાં કુદરતની આ ગૂઢ કરામતનાં જાણે પ્રત્યક્ષ દર્શન થાય છે.
ભણતર માત્ર ગુજરાતી પાંચ ચોપડી જેટલું, અને ઉંમરે અગિયારમું વર્ષ - આવો ઓછું ભણેલો અને ઊછરતો કિશોર કુટુંબનું કારમું અર્થસંકટ દૂર કરવા કમર કસે છે, અને જામનગર પાસેના ૮૦૦-૯૦૦ માણસોની વસ્તીવાળા નાનકડા ગામની ગામઠી નિશાળનો એ મદદનીશ મહેતાજી બને છે; પગાર માસિક રૂપિયા આઠનો ! ભલે આઠ તો આઠ, પણ કુટુંબના નિર્વાહ માટે પિતાજીની આવકમાં બને તેટલો ઉમેરો કરવો જરૂરી હતો.
ભણતર ઓછું અને ઉંમર નાની, પણ એનામાં પ્રયત્નનો ઉત્સાહ હતો, ગમે તે કામને પાર પાડવાની ધગશ હતી અને ગમે તેવી મુસીબત સામે પણ પીઠ નહીં ફેરવવાનું સૌરાષ્ટ્રી ખમીર એના અંતરમાં ભર્યું હતું. વિદ્યાર્થી અવસ્થાએ શિક્ષક બનવાની હામ ભીડીને પચાસ વર્ષ પહેલાં ભાગ્યની સામે મોરચો માંડનાર એ તરવરિયો કિશોર તે શ્રી મેઘજીભાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org