________________
શ્રી અરવિંદભાઈ મફતલાલ
૪૧૩ આ દુષ્કાળ-રાહત માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે થઈ એ પણ જાણવા જેવું છે. અમેરિકાની “કેર” (CARE) નામની સંસ્થા તરફથી ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયાની કિંમતની સામગ્રી મળી, ગુજરાત સરકારે પચીસ લાખ રૂપિયા આપ્યા અને શેઠશ્રી અરવિંદભાઈ હસ્તકના સદ્ગુરુ-સેવા-સમાજે અઠ્ઠાવીસ લાખ રૂપિયા આપ્યા. આમાં પૂરી આર્થિક મદદ મળી એ તો મહત્ત્વનું છે જ; સાથે-સાથે શક્તિશાળી વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં આવ્યું એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ ઉપરથી એ પણ જાણી શકાય છે કે શ્રી અરવિંદભાઈ અમેરિકામાં કેટલી વગ ધરાવે છે અને અમેરિકાની “કેર' સંસ્થાને એમના ઉપર કેટલો બધો વિશ્વાસ છે.
શ્રી અરવિંદભાઈએ જેમ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુષ્કાળ રાહતનું આવું માનવતા અને રાષ્ટ્રસેવાનું કામ કર્યું છે, તેમ પહેલાં રાજસ્થાન અને બિહારમાં પણ આવા પ્રકારનું જ સેવાકાર્ય કર્યું હતું. આ હકીકત એમ સૂચવે છે કે તેઓનું દૃષ્ટિબિંદુ રાષ્ટ્રવ્યાપી છે અને નાત-જાત કે પ્રાંત-ભાષાના નકલી ભેદોથી મુક્ત બનીને દીન-દુઃખી માનવજાતની સેવામાં તેઓ શ્રદ્ધા ધરાવે છે, અને એ માટે પૂરતો પ્રયત્ન પણ કરે છે. આ ભાવના શેઠશ્રી અરવિંદભાઈની સાચી ધાર્મિકતા, સંસ્કારિતા અને રાષ્ટ્રીયતાનો કીર્તિકળશ બની રહે એવી છે. વળી આનાથી પણ ચડી જાય એવી છે એમની વિનમ્રતા. આ બધાં સત્કાર્યોનો યશ તેઓ ભગવાનને અને પોતાનાં માતુશ્રીને આપે છે; પોતે તો માત્ર આનું નિમિત્ત છે એમ માને છે.
આની સામે જેમના હાથમાં રાષ્ટ્રની રખેવાળી સોંપાઈ છે એવા મોટા ગણાતા રાજકીય નેતાઓની વૃત્તિ અને પ્રવૃત્તિનો વિચાર કરીએ છીએ ત્યારે નરી પામરતાનાં જ દર્શન થાય છે ! એ ગમે તેટલો મોટો હોદ્દો અને કરોડો રૂપિયા ખર્ચ કરવાની સત્તા ધરાવતા હોય, પણ એમની નજર મુખ્યત્વે દેશવાસીઓના ઉપલા થર સુધી અને પોતાની રાજરમતની શતરંજનાં સોગઠાં બનનાર વ્યક્તિઓ સુધી જ પહોંચે છે. પરિણામે મહાત્મા ગાંધીજીએ ચીંધેલું સર્વોદયની સ્થાપના દ્વારા સમગ્ર દેશની દીન-હીન-ગરીબ જનતાનો ઉત્કર્ષ સાધીને રાષ્ટ્રનું નવનિર્માણ કરવાનું પાયાનું કામ જ વિસરાઈ ગયું ! નહીં તો, સ્વરાજ્યના બાવીસ-તેવીસ વર્ષ જેટલા લાંબા કારોબારને અંતે, અને વિદેશમાંથી લોનરૂપે કે સહાયરૂપે તેમ જ દેશમાંથી કરવેરા તથા લોન રૂપે અબજોના અબજો રૂપિયા મેળવીને દેશના વિકાસના નામે ખરચી નાખ્યા પછી પણ દેશ આવી બિસ્માર હાલતમાં અને દેશની કરોડોની જનતા આવી કંગાલિયતમાં હોય ખરાં ? રાષ્ટ્રને, રાષ્ટ્રભાવનાને અને રાષ્ટ્રની જનતાને વિસરી બેઠેલા આવા રાષ્ટ્રનેતાઓને સાચી રાષ્ટ્રસેવા અને સાચું રાષ્ટ્રકાર્ય કેવું હોઈ શકે એ ચીંધવા શેઠશ્રી અરવિંદભાઈનું આ કાર્ય જીવંત દાખલારૂપ બની રહે એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org