________________
૧૦
કળાકારો
(૧) આત્મમંથનશીલ કલાકાર પં. રવિશંકર
છેલ્લા એકાદ સૈકામાં વિવિધ પ્રકારનાં વાદ્યસંગીત અને જુદા-જુદા પ્રકારનાં કંઠ્ય સંગીતની બાબતમાં જે સંગીતકળાવિશારદોએ દુનિયાના નકશામાં ભારતને પ્રથમ પંક્તિમાં આગળ પડતું સ્થાન અપાવીને ભારતની વિદ્યાની શાન વધારી છે, તેમાં સિતારવાદક પંડિત રવિશંકર પણ આદર અને બહુમાનભર્યું આગવું સ્થાન ધરાવે છે.
સંગીતકારોનું, અંતરના તારોને રણઝણતા કરીને માનવીને નાદબ્રહ્મમાં લીન બનાવી મૂકનાર સંગીત સાંભળીને આહ્વાદ અનુભવનાર શ્રોતાઓમાંથી કોઈ વિરલા જ એ વાતનો મર્મ પામી શકે છે કે સંગીતકળામાં આવી અપૂર્વ અને ચિત્તને વશ કરી લેનારી સિદ્ધિ કે સફળતા પ્રાપ્ત કરવા માટે કલાકારને કેટલા લાંબા સમય સુધી પોતાની જાતને વિસારી મૂકીને પૂર્ણ એકાગ્રતાથી કેટકેટલી કષ્ટસાધ્ય સાધના કરવી પડે છે. સોનલવર્ણા ઘઉંના ઢગલા જોનારને એ વાતનો ભાગ્યે જ ખ્યાલ આવે છે, કે ધરતીના પેટાળમાં ઓરાયેલ ઘઉંના દાણા કેટકેટલી અને કેવી કેવી યાતના ભોગવે છે, ત્યારે આવા ઘઉંનો પાક મળે છે. પંડિત રવિશંકરે કરેલી સાધનાની થોડીક વાત પણ આ બાબતની સત્યતાની ખાતરી કરાવે એવી છે.
એમનો જન્મ વિદ્યા અને કળાના ધામ બનારસમાં સને ૧૯૨૦માં થયો હતો. એમના પિતા ડૉ. શ્યામાનંદ ચટ્ટોપાધ્યાય સંસ્કૃતના દિગ્ગજ વિદ્વાન હોવા ઉપરાંત એમણે દેશ-વિદેશની અનેક વિદ્યાઓ તથા ભાષાઓમાં નિપુણતા અને નામના પ્રાપ્ત કરી હતી. કોઈ પણ નવા કે અજાણ્યા વિષયમાં કુશળતા હાંસલ કરનારી એમની બુદ્ધિની તેજસ્વિતા અને ગ્રહણશક્તિ ખરેખર આશ્ચર્ય પમાડે એવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org