________________
૩૭૬
અમૃત-સમીપે સંવેદનશીલતા, કથાવાર્તા-નિબંધો-કટાક્ષચિત્રો જેવા લલિત વામયનું સર્જન કરવાની સુમધુર પ્રતિભા, તત્ત્વના કે વિચારના અંતસ્તલ સુધી પહોંચી જવાની ચિંતનશીલતા, વિવેચક તરીકેની તટસ્થતા-નિર્ભયતા-સત્યપરાયણતા, અને એ બધા ય ગુણોની સાથોસાથ જીવનમાં સહજ ભાવે કેળવાયેલી નિર્દેશવૃત્તિ – આવા વિરલ ગુણોને પોતાના જીવનમાં એકસાથે પ્રગટ કરીને શ્રી પાઠકસાહેબે પોતાના જીવનનું મૂલ્ય ખૂબ વધારી દીધું હતું.
આ તો એમની અવિરત વિદ્યાઉપાસનાની વાત થઈ. પણ એક વ્યક્તિ તરીકે પણ એમનું જીવન કલેશમુક્ત અને સ્નેહ તથા આનંદરસથી ભરેલું હતું. વિદ્યાના કામમાં પોતાના લાભાલાભનો વિચાર સર્વથા અળગો મૂકીને એ સહુ કોઈને હોંશભેર સહાય કરતા; એટલું જ નહીં, અનેક ઊગતા લેખકો અને કવિઓને એ નિરંતર પ્રેરણા આપીને એમને આગળ વધારવામાં ખૂબ આનંદ માનતા.
એમના વિચારો કોઈ પણ જાતના સંકુચિત વાડામાં ગોંધાઈ રહેવાનું પસંદ ન કરતા. મહાત્મા ગાંધીજી અને ગુજરાત વિદ્યાપીઠના સંપર્કે એમનામાં રાષ્ટ્રીયતા પણ ખૂબ-ખૂબ ભરી દીધી હતી. એટલે રાષ્ટ્રકલ્યાણનો ખ્યાલ પણ એમને સતત રહ્યા કરતો.
ધંધાદારી રીતે તેઓ વકીલ બન્યા, છતાં એમના હૃદયમાં સતત વિદ્યા માટેની ઝંખના રહેતી. એમના પંડિત પિતાશ્રીનો વિદ્યાનો વારસો પણ જાણે એમને વિદ્યાના ક્ષેત્રમાં જ દોડી જવાને હંમેશાં હાકલ કર્યા કરતો; અને એ હાકલના પ્રેર્યા એક શુભ ઘડીએ તેઓ વકીલાતના ધંધાને પડતો મૂકીને વિદ્યાના ક્ષેત્રને એવા વર્યા કે વિદ્યા સાથે એમને આજીવન સંબંધ થઈ ગયો. વિદ્યાની ઉપાસના એમણે એક શિક્ષક બનીને શરૂ કરી અને જીવનને સંકેલવાના સમયે તેઓ ગુજરાતના એક મુકુટમણિ સાક્ષરવર્ય તરીકે સૌ કોઈના સન્માન અને બહુમાનના અધિકારી બનીને ગયા. ધન્ય એ જીવન અને ધન્ય એ મૃત્યુ !
ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે શ્રી પાઠકજી સાચા અર્થમાં જ્ઞાની ઋષિ-મુનિઓના સુયોગ્ય વારસ એવા સાચા બ્રાહ્મણ હતા, અને પોતાના જીવનને બ્રાહ્મણ તરીકેના ગુણોથી તેઓએ સુવાસિત બનાવ્યું હતું. એ ફૂલ તો કરમાઈ ગયું, પણ એની સૌરભ સદા યાદ આવ્યા કરશે !
(તા. ૨૭-૮-૧૯૫૫)
O.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org