________________
૩૫૮
અમૃત-સમીપે
નવલકથા છપાઈ, અને ‘નવચેતન’ માસિકે ‘પૃથ્વીશ’ નામે નવલકથા છાપી. એમની વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી ‘પોસ્ટઑફિસ’ નામે નવલિકા પહેલવહેલી ૧૯૨૩માં ‘સાહિત્ય’ માસિકમાં લેખકના નામોલ્લેખ વગર ‘મળેલું' તરીકે છપાઈ હતી ! ૧૯૨૬માં ધૂમકેતુનો ‘તણખા’ (ભાગ પહેલો) નામે પહેલો વાર્તાસંગ્રહ પ્રગટ થયો, અને એણે સાક્ષરસમાજ અને સામાન્ય પ્રજા ઉપર અજબ કામણ કર્યું. એ વાર્તાઓએ ધૂમકેતુને ગુજરાતના સર્વશ્રેષ્ઠ નવલિકાકાર તરીકેનું ગૌરવ અપાવ્યું. આજે પણ આ વાર્તાઓ વાસી ન લાગે એવું ચોટદાર અને સનાતન એનું વસ્તુતત્ત્વ, કથાનિરૂપણ અને પાત્ર-સંવિધાન છે જાણે એમની કલમે આલેખેલાં પાત્રો અને પ્રસંગો હૃદય સાથે એકરૂપ બની જાય છે.
પછી તો એમના સાહિત્યસર્જનમાં જબરો જુવાળ આવ્યો. ચાર દાયકા કરતાં ય વધુ સમય સુધી એમણે સ્વસ્થતાપૂર્વક, એકધારી કલમ ચલાવીને કાલ્પનિક અને ઐતિહાસિક કંઈક પાત્રોને બોલતાં કર્યાં. નવલિકાઓ, નવલકથાઓ, જીવનચરિત્રો, સંસ્કા૨કથાઓ કે બોધકથાઓ અને વિચારપ્રેરક અન્ય કૃતિઓ એમ વિવિધ પ્રકારના સાહિત્યસર્જન દ્વારા ગુજરાતને મોટી-નાની મળીને સવાસો જેટલી કૃતિઓ એમણે ભેટ આપી. જિંદગીના છેડા સુધી, એમની આ અક્ષરસાધના વણઅટકી ચાલુ જ હતી. છેલ્લે-છેલ્લે ‘ધ્રુવદેવી’ નામે નવલકથા આલેખતાં-આલેખતાં એમની કલમ થંભી ગઈ ! આ અક્ષરસાધનાએ એના સાધકને ‘અ-ક્ષર' (નાશ ન પામે તેવા) બનાવી દીધા !
==
——
ઇતિહાસ એ ધૂમકેતુનો અતિપ્રિય વિષય હતો; તો વળી લોકજીવનના અણપ્રીછ્યા, ઉપેક્ષિત કે તરછોડાયેલા અંશોને સહાનુભૂતિપૂર્વક સમજવાની અને અંતરમાં અપનાવવાની એમની અદ્ભુત મનોવૃત્તિ હતી. એમ કહી શકાય કે ઇતિહાસના અધ્યયન-અવલોકને ધૂમકેતુને સફળ નવલકથાકાર બનાવ્યા; તો અદનામાં અદના માનવ તરફની સમવેદનાભરી અવલોકનશક્તિએ એમના હાથે હૃદયદ્રાવક નવલિકાઓનું સર્જન કરાવ્યું અને સંસ્કારપ્રિયતાએ સુંદર ચરિત્રોનું નિર્માણ કરાવ્યું. મીઠી-મધુર, મોહક અને રોચક ભાષા અને શૈલીનું જાણે એમને માતા સરસ્વતીએ વણમાગ્યું વરદાન આપ્યું હતું.
સાહિત્યસર્જનની સાથોસાથ અમદાવાદના બે કોટ્યધિપતિ કુટુંબો : શેઠ અંબાલાલ સારાભાઈના કુટુંબમાં અને શેઠ ચીનુભાઈ બેરોનેટના કુટુંબમાં એમણે એકાદ પચીશી સુધી શિક્ષક તરીકેની કામગીરી જે જવાબદારી અને સફળતાપૂર્વક પાર પાડી, તેથી પણ એમને ખૂબ લાભ થયો. કારમી ગરીબી હોય કે દોમદોમ સાહ્યબીના સંપર્કમાં રહેવાનું હોય, પણ અતિ ગ્લાનિ કે અતિ હર્ષની લાગણીથી અલિપ્ત રહીને મધ્યસ્થભાવને વળગી રહેવાની અને પુરુષાર્થ ઉપર અવિચળ વિશ્વાસ રાખવાની એમની સહજ પ્રકૃતિ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org