SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પંડિત સુખલાલજી આપી દઈએ તો કેમ ? ત્યાં ગુજરાતની સંસ્થાઓ ખૂબ સરસ કામ કરે છે, અને એ નિર્વાસિતોના દુઃખની તો આપણાથી કલ્પના પણ થઈ શકતી નથી. આનો નિર્ણય તમને વાત કરીને કરવો એમ વિચાર્યું છે.” પૂજ્ય પંડિતજીની માનવસેવાની આ ઉત્કટ ભાવનાને હું મનોમન વંદી રહ્યો; કેવું પવિત્ર સંવેદન ! તેઓ અત્યારની, ઉત્તરોત્તર વધતાં-વધતાં અસહ્ય બની ગયેલ મોંઘવારીના સમયમાં પણ, પોતાની મર્યાદિત આવકમાં ચાલુ ખર્ચને પહોંચી શકાય અને પૈસાની બાબતમાં ક્યારેય કોઈની પણ લાચારી કરવાનો વખત ન આવે અને પૂરી ખુમારીપૂર્વક જીવી શકાય એ માટે કેટલી બધી કરકસર કરે છે એનો મને કંઈક ખ્યાલ છે. ખર્ચ વધતું લાગે તો પોતાની ચાલુ જરૂરિયાત ઉપર પણ કાપ મૂકતાં તેઓ અચકાતા નથી ! વળી, પોતા માટે ગમે તેટલી કરકસર કરવા છતાં પોતાના સાથીને માટે તેઓ પૂરી છૂટથી પૈસા ખરચવા ટેવાયેલા છે. ઉપરાંત, રાષ્ટ્રીય સંકટ-નિવારણમાં કે કોઈ સારા કામમાં પણ પોતાનો ફાળો આપે તો જ તેઓને સંતોષ થાય છે. દા.ત. સ્વ. મુરબ્બી શ્રી પરમાનંદભાઈના સ્મારકફાળામાં તાજેતરમાં જ તેઓએ પાંચસો રૂપિયા આપ્યા હતા. આ બધી સ્થિતિનો વિચાર કરીને મેં પૂજ્ય પંડિતજીને કહ્યું કે આ ત્રણ હજારમાંથી એક હજાર રૂપિયા આપ બાંગ્લાદેશના ફાળામાં આપો એ મને બરોબર લાગે છે. આ ૨કમ પૂજ્ય રવિશંકર મહારાજને સોંપી દેવી. બીજે દિવસે સાંજે શ્રી દલસુખભાઈ માલવણિયા અને હું પૂજ્ય પંડિતજીને મળવા ગયા. પંડિતજીએ હસીને કહ્યું : “તમારી સાથે ગઈ કાલે વાત થઈ તેનો મધ્યમ માર્ગ કાઢીને પંદરસો રૂપિયા હમણાં જ પૂજ્ય રવિશંકર મહારાજ આવ્યા હતા એમને બાંગ્લાદેશ માટે આપી દીધા.” એ વખતે તેઓના મુખ ઉપર કેવો આત્મસંતોષ પ્રસરી રહ્યો હતો ! વિચારની કરુણા જ્યારે વર્તનમાં ઊતરે છે, ત્યારે એનું કેવું સુંદર પરિણામ આવે છે ! (તા. ૨૫-૯-૧૯૭૧) વિરલ ધ્યેયનિષ્ઠા માનવજીવનમાં અને ખાસ કરીને જાહેર જીવનમાં આત્મ-પ્રશંસા એ એવી સુંવાળી અને લપસણી ભૂમિ છે, કે એની અજબ મોહિનીથી બચવા માટે માનવી પૂરેપૂરો ધ્યેયનિષ્ઠ બનીને સતત જાગતો રહે તો જ બચી શકે – એ વાતની યાદ આપતો એક પવિત્ર પ્રસંગ અહીં નોંધું છું. - સંપ્રદાય-ભેદમાં પડ્યા વગર વિશિષ્ટ કોટીના જૈન વિદ્વાનો તૈયા૨ ક૨વાની દૃષ્ટિથી બનારસમાં ‘શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાશ્રમ' નામક સંસ્થા કામ કરી રહી છે, જેના પ્રાણભૂત સંચાલકોમાં પંડિતજી એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy