________________
શ્રી ખીમચંદભાઈ શાહ
૩૨૧ પ્રસન્નતા અને ખુમારીને ટકાવી રાખી શક્યા હતા. આવા માંદગીના સમયમાં પણ એમને મળવા જઈએ ત્યારે તેઓ કોઈ પુસ્તકનું વાચન-અવલોકન કરતા જ માલૂમ પડતા અને વાતચીત દરમિયાન પણ કોઈ વિદ્યાને લગતા વિષયની જ ચર્ચા કરતા.
આમ થવાનું એક કે મુખ્ય કારણ એ હતું, કે તેઓની વિદ્યારુચિ અમુક વિષયો પૂરતી મર્યાદિત બની રહેવાને બદલે વિવિધ વિષયોને સ્પર્શતી હતી. ગણિતશાસ્ત્રમાં તો તેઓ એક નિષ્ણાત વિદ્વાન અને અધ્યાપક હતા જ; ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ, કળા વગેરે વિષયોનું એમનું વાચન અને ચિંતન પણ ઉત્તમ કોટીનું હતું. એમનાં લખાણોમાં તેમ જ એમની સાથેના વિદ્યાવિનોદમાં એમની આવી વ્યાપક વિદ્યાસાધનાનો પરિચય સૌ કોઈને મળી રહેતો.
તેઓનું વતન સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લાનું લીંબડી શહેર. તા. ૨૭-૩૧૮૯૭ને રોજ એમનો જન્મ થયો હતો. પાલીતાણા અને ભાવનગરમાં શિક્ષણ લઈને તેઓએ ગણિતશાસ્ત્રમાં નિપુણતા મેળવી હતી, અને સિંધના હૈદરાબાદની સરકારી કોલેજના ગણિતના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હૈદરાબાદ પછી ભાવનગરની સુપ્રસિદ્ધ શામળદાસ કૉલેજના ગણિતના અધ્યાપક તરીકે તેઓએ પોતાની સેવાઓ આપી હતી. ગણિત જેવા “નીરસ” અને મુશ્કેલ વિષયના અધ્યાપક તરીકેની ત્રણેક દાયકાની સફળ કામગીરીને લીધે તેઓ મિત્રો, સ્વજનો અને પરિચિતોમાં “પ્રોફેસર સાહસાહેબ’ના પ્રેમાદરભર્યા નામથી ઓળખાતા થયા હતા.
એક અધ્યાપક હોવાની સાથે-સાથે તેઓ જે વહીવટી કાબેલિયત ધરાવતા હતા, તે ખરેખર નવાઈ ઉપજાવે એવી, એમના પ્રત્યેના માનમાં વધારો કરાવે એવી અને એમની કારકિર્દીને વિશેષ યશસ્વી બનાવે એવી વાત હતી. એમની વહીવટી કુશળતાનો લાભ વિશેષ પ્રમાણમાં પ્રજાને મળે એટલા માટે સૌરાષ્ટ્ર સરકારે એમને કેળવણી-ખાતાના સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપી હતી, જે તેમણે ખૂબ સફળતાથી નિભાવી જાણી હતી.
વિ. સં. ૨૦૦૮ની સાલમાં, પંચાવન વર્ષે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તેઓએ ભાવનગરની મહિલા કોલેજના માનાર્હ (અવેતન) આચાર્ય તરીકે સેવાઓ આપીને અને બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી એ સેવાઓને ચાલુ રાખીને પોતાની વિદ્યાપ્રીતિ, નિષ્કામ વૃત્તિ અને અનાસક્ત દૃષ્ટિ બતાવી હતી.
ભાવનગર સંઘના ઉપપ્રમુખ તરીકે, શ્રી જૈન આત્માનંદ સભાના ઉપપ્રમુખ તથા પ્રમુખ તરીકે તેમ જ બીજી પણ અનેક સંસ્થાઓના સભ્ય, સલાહકાર કે સંચાલક તરીકે પ્રો. શ્રી શાહસાહેબે જે કામગીરી બજાવી છે, તેથી એમના યશસ્વી જીવન ઉપર સુવર્ણકળશ ચડ્યો છે એમ કહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org