________________
અમૃત-સમીપે કેટલાક દાયકા સુધી શ્રી જૈન આત્માનંદ સભાના સંચાલનના મુખ્ય સુકાની તરીકેનું પદ (પ્રમુખપદ) શ્રી શાહસાહેબે સંભાળ્યું હતું. એમણે પોતાની કાર્યકુશળતા, બાહોશી અને સહજ સાહસિકતાને લીધે, તેમ જ પોતાના સાથી-કાર્યકરોનો સાથ અને વિશ્વાસ મેળવીને, આ સંસ્થાના ઉત્કર્ષમાં જે ફાળો આપ્યો છે, તેમ જ પોતાના સાથીઓ તથા સમાજના અન્ય કાર્યકરોનો જે ફાળો અપાવ્યો છે તેની વિગતો શ્રી જૈન આત્માનંદ સભાની વિસ્તૃત કાર્યવાહીના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થાય એવી છે. સૌને સાથે રાખીને સ્વયં આગળ વધવાની અને સંસ્થાને આગળ વધારવાની એમની આવડત અને કુનેહ વિરલ હતી. અને જરૂર લાગે ત્યારે કોઈને સ્પષ્ટ વાત કહેવાની એમની હિંમત અને નવા કે મોટા કામની જવાબદારી લેવાની એમની સાહસિકતા દાદ માગી લે એવી હતી. એમના પરિચયમાં આવનાર વ્યક્તિને એમનામાં રહેલ ખમીર અને કાર્યસૂઝનો ખ્યાલ સહજરૂપે જ આવી જતો.
વળી, શ્રી શાહ સાહેબે જૈનસંઘના એક તેજસ્વી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર તરીકે ભાવનગરના સંઘની પણ યાદગાર સેવા બજાવી છે.
આ રીતે સતત કર્તવ્યપરાયણ અને કાર્યરત જીવનની પોણો-સો વર્ષ જેટલી મજલ પૂરી કરીને, સત્તાસ્થાને ગમે તેમ કરીને ચાલુ રહેવાની પામર વૃત્તિથી સાવ અલિપ્ત એવા શ્રી ખીમચંદભાઈ કન્યા-કૉલેજના આચાર્યપદેથી સ્વેચ્છાપૂર્વક નિવૃત્ત થયા હતા, અને એ જ ભાવનાથી પ્રેરાઈને તેઓ શ્રી જૈન આત્માનંદ સભાના પ્રમુખપદ જેવા માનભર્યા સ્થાનેથી પણ સ્વેચ્છાએ નિવૃત્ત થયા. એ જ બતાવે છે કે તેઓને મન પોતાના પદ કરતાં સંસ્થાનું હિત મહત્ત્વનું હતું. આ રીતે રાજીનામાં આપીને શ્રી શાહસાહેબે ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો.
સાચો રૂપિયો જેમ બધે પ્રવેશ મેળવી શકે, તેમ શ્રી ખીમચંદભાઈએ નાનુંમોટું જે કોઈ કામ હાથ ધર્યું એમાં એમણે દાખલારૂપ સફળતા પ્રાપ્ત કરી હતી. એમની આવી સફળતાની ચાવી હતી એમની કર્તવ્યનિષ્ઠા, દીર્ધદષ્ટિ, કાર્યસૂઝ, અણનમ વૃત્તિ અને લીધેલ કામને પાર પાડવાની દૃઢતા.
(તા. ૨૭-૫-૧૯૭૮ તથા તા. ૨૭-૯-૧૯૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org