________________
૧૧
પંડિત સુખલાલજી
૧૯૪૪થી પંડિતજી નિવૃત્ત થયા, ત્યારપછી મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં જોડાવાના થોડા ગાળાને બાદ કરતાં, તેઓ કોઈ સ્થાને જોડાયા ન હતા. છતાં એમની આ નિવૃત્તિ અખંડ વિદ્યાસાધનાની પ્રવૃત્તિથી ભરેલી જ હતી; પહેલાં જે કામ પગાર લઈને થતું હતું તે હવે વગર પગારે થતું હતું એટલું જ. છેલ્લાં ૩૨-૩૩ વર્ષ તેઓએ અમદાવાદમાં જ વિતાવ્યાં હતાં.
પંડિતજીના સામાજિક અને ધાર્મિક વિચારો સદા પ્રગતિશીલ અને ક્રાંતિકારી રહ્યા છે. અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સાંપ્રદાયિક સંકુચિતતાની તેઓ હંમેશાં કડક સમાલોચના કરતા રહેતા. માનવમાત્રની તેમ જ સ્ત્રી-પુરુષની સમાનતા એ જ પંડિતજીનો સામાજિક આદર્શ હતો; એની પાછળ અહિંસાની ભાવના રહેલી હતી. (તા. ૧૧-૩-૧૯૭૮)
પંડિતજીનું પાંડિત્ય એમના બહુશ્રુતપણામાં અને ઊંડા શાસ્ત્રીય જ્ઞાનમાં તો પ્રતિબિંબિત થાય છે જ; પણ એમના પાંડિત્યની વિશેષતા કંઈ એટલા પૂરતી જ મર્યાદિત નથી. પંડિતજીના પાંડિત્યની વિશેષતા તો છે એમની સમન્વયશોધક વેધક દૃષ્ટિમાં. ધર્મગ્રંથોમાં માનવ-માનવ વચ્ચે ભેદભાવની દીવાલો ખડી કરીને લોકસમૂહમાં બંધુભાવની લાગણી જન્માવવાને બદલે પારસ્પરિક વિરોધભાવની લાગણી જન્માવનારાં તત્ત્વો પણ ભર્યાં પડ્યાં છે; અને એથી ધર્મો કે દર્શનો જીવોને પરસ્પર નજીક લાવનારાં તત્ત્વોને બદલે એકબીજાની વચ્ચે અલગતાવાદનો પડદો ખડો કરનારાં તત્ત્વોને જ ઉત્તેજન આપતાં રહ્યાં છે. ત્યારે સાચા અને નકલી ધર્મગ્રંથો વચ્ચેના ભેદને બરાબર પારખી લઈને, સમન્વયગામી અસંખ્ય તત્ત્વોની શોધ કરીને પંડિતજીએ માનવતાની મહાન સેવા બજાવી છે. એમ કરીને તેઓ સર્વ ધર્મો અને સર્વ દર્શનોના સમન્વયના સમર્થ પંડિત તરીકેની વિરલ ખ્યાતિને વર્યા છે.
માણસ-માણસ વચ્ચે ઊંચ-નીચપણાના અવાસ્તવિક ભેદનું પોષણ કરનાર કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ શાસ્ત્રગ્રંથ કે કોઈ પણ મહાન ગણાતી વ્યક્તિનું પણ પંડિતજીને મન જરા પણ મૂલ્ય નથી, લેશ પણ મહત્તા નથી. અને માનવજાતને બંધુભાવ કે મિત્રભાવની સાંકળે સાંકળી લેનાર અદનામાં અદની પ્રવૃત્તિ કે વ્યક્તિનું પણ પંડિતજીને મન ભારે મૂલ્ય છે.
પોતાનું જીવન સતત પ્રગતિશીલ હોવાને કારણે પંડિતજીને પ્રગતિરોધક તત્ત્વો સામે ભારેમાં ભારે અણગમો છે, અને એવાં તત્ત્વોની સામે એક બળવાખોરની જેમ ઝૂઝવામાં પંડિતજી અનેરો આનંદ અનુભવે છે; એટલું જ નહીં, એમ કરીને સમાજને જાગૃત બનાવવો એ પોતાની ફરજ છે એમ જ તેઓ માને છે. જ્યારે પણ આવો નાનો કે મોટો પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે મક્કમપણે એની સામે થવામાં તેઓ પોતાના જીવનની ચરિતાર્થતા અનુભવે છે.
(તા. ૧૦-૧૨-૧૯૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org