________________
અમૃતસમીપે
એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓએ પોતાની જીવનયાત્રાનો આરંભ કલકત્તાની એક કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કર્યો. ત્રીસ વર્ષની ઊછરતી વયે તેઓ જર્મનીમાં બર્લિન ખાતે ભરાયેલ વિશ્વધર્મ-પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. એમાં એમણે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનો સંદેશ બુલંદ સ્વરે સંભળાવ્યો હતો. પશ્ચિમના ભૌતિકવાદી તેજથી અંજાયા વગર તેઓએ સ્વસ્થ ચિત્તે પશ્ચિમવાસીઓને ધર્મની અમૃતવાણીનું પાન કરાવ્યું હતું.
આવા એક સંતપ્રકૃતિના પુરુષે ઘરસંસારમાં અટવાઈ જવાને બદલે સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનીને એની સેવામાં જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. દીન-દુઃખી જીવોના દુઃખ-નિવારણમાં તેઓ નિજાનંદનો અનુભવ કરતા.
૩૦૭
વળી શ્રી વાસવાણીનો આત્મા કંઈ શુષ્ક કે નિષ્ક્રિય આધ્યાત્મિકતાનો એકાંગી આત્મા ન હતો; રાષ્ટ્રનું સ્વમાન અને હિત પણ એમના હૈયે પૂરેપૂરું વસેલું હતું. એટલે મહાત્મા ગાંધીજીની હાકલ પડી, ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના અહિંસક સંગ્રામના શિસ્તપાલક સૈનિક બની ગયા.
અને છતાં તેઓ કેવળ રાજદ્વારી આઝાદીથી સંતોષાનારા પુરુષ ન હતા. તેઓ તો એક જીવન-સાધક સંત હતા. એટલે એમનો આત્મા નિરંતર દોષો અને ક્લેશોમાંથી મુક્તિ ઝંખ્યા કરતો; બીજાઓને પણ એ માર્ગે નિરંતર પ્રેરતા.
શિક્ષણ એ જીવનઘડતરનું અમોઘ સાધન છે એ તેઓ બરાબર જાણતા હતા. જનતાનું – ખાસ કરીને ઊગતી પેઢીનું – સંસ્કારઘડતર કરવા સિંધ-હૈદરાબાદમાં સને ૧૯૩૩માં એમણે ‘સેન્ટ મીરા શિક્ષણસંસ્થા' શરૂ કરેલી. દેશના ભાગલા બાદ તેઓ પૂનાને પોતાનું કેન્દ્ર બનાવી આ સંસ્થાનું સ્થાનાંતર કરીને ત્યાં માનવઘડતર અને જનસેવાનું કાર્ય જીવનના અંત સુધી કરતાં કૃતાર્થ બની ગયા.
અહિંસાના સગપણે એમને જૈનધર્મ પ્રત્યે અને ભગવાન મહાવીર પ્રત્યે અપાર મમતા અને આદરની લાગણી હતી. ઘણાં વર્ષો પહેલાં એમની કરુણાભીની કલમે લખાયેલું ભગવાન મહાવીરનું ચરિત્ર એક રસપૂર્ણ અને હૃદયસ્પર્શી પ્રકાશન તરીકે યાદગાર બની રહે તેવું પુસ્તક છે.
આવા એક સાધક મહાનુભાવને મૃત્યુ ન તો જરા પરેશાન કરી શકે છે કે ન તો ડરાવી શકે છે. તેઓ તો સ્થળ અને કાળના સીમાડા ભૂલીને આત્મસાધના, જનસેવા અને વિશ્વમૈત્રીનું અમૃતપાન કરીને અમર બની જાય છે.
(તા. ૫-૩-૧૯૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org