________________
શ્રી “મોટા'
૨૯૭ પોતાને આવી અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી એમણે જીવનસાધના કરવા ઇચ્છનારાઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવાની શરૂઆત કરી. સમય જતાં એ પ્રવૃત્તિ એવી વ્યાપક અને વેગવાન બની કે એને પરિણામે દક્ષિણમાં કુંભકોણમ્માં, નડિયાદમાં, સૂરત પાસે રાંદેરમાં અને અમદાવાદ પાસે નરોડામાં “હરિ ૐ આશ્રમ' નામે આશ્રમો સ્થપાયા.
દીન-દુઃખી-ગરીબો તરફ શ્રી મોટાને શરૂઆતથી જ અપાર હમદર્દી હતી; અને આ હમદર્દીને અને દેશભક્તિને એમણે પોતાના કાર્ય દ્વારા જે રીતે મૂર્ત રૂપ આપીને ચરિતાર્થ કરી બતાવી એની વિગતો ખરેખર હેરત પમાડે તેવી અને બધા સંતો માટે દાખલારૂપ બની રહે એવી છે. પોતાને સાક્ષાત્કાર થયા પછી કોઈ સાધકે લોકોના ભલા માટે આવો અસાધારણ પુરુષાર્થ કર્યો હોય અને અનેક રોગોથી ઘેરાઈને જાહિલ (આળા) બનેલા શરીરથી આટલી જહેમત ઉઠાવી હોય એવા દાખલા શોધવા પડે એમ છે. પોતાને સિદ્ધિ મળ્યા પછી બે દાયકા કરતાં પણ વધુ સમય માટે તેઓ પ્રશાંતભાવે સાધકોને પૂરું માર્ગદર્શન કરતા રહ્યા અને અમુક મર્યાદામાં જનસેવાની પ્રવૃત્તિ પણ ચલાવતા રહ્યા.
પણ પછી જ્યારે એમને લાગ્યું કે પોતાના ભકતોની ભક્તિની ભાગીરથીને લોકકલ્યાણના માર્ગે વહેવડાવાનો સમય પાકી ગયો છે, એટલે એમણે, શરીર અસ્વસ્થ, છતાં મનોબળ અને આત્મબળનો સહારો લઈને, સને ૧૯૬૨ની સાલથી પોતાની લોકકલ્યાણની અને ઊછરતી પેઢીના સંસ્કાર-ઘડતરની પ્રવૃત્તિને પણ પૂર્ણયોગથી આગળ વધારી અને એ માટે એક કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમનાં દાન મેળવી આપ્યાં. એક આધ્યાત્મિક નેતા કે ધર્મનાયકના અંતરમાં પ્રજાકલ્યાણની આવી અદમ્ય અને રચનાત્મક તમન્ના જાગે એ કંઈક નવાઈ પમાડે એવી, પણ જનતાની ખુશનસીબી સમી ઘટના છે.
અને શ્રીમોટાએ પોતે પણ કેટકેટલાં ક્ષેત્રમાં સફળતા હાંસલ કરીને પોતાના વ્યક્તિત્વને આકાશ જેવું વિશાળ બનાવ્યું હતું ! તેઓ એક અચ્છા સાહિત્યસર્જક પણ હતા – એમણે ગદ્યમાં અને પદ્યમાં ૬૮ જેટલાં પુસ્તકોનું સર્જન કર્યું હતું. અને છતાં મોહ-માયા-મમતાથી મુક્ત એમનું જીવન કેવું અનાસકત હતું !
(તા. ૩૧-૭-૧૯૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org