________________
૨૯૬
અમૃત-સમીપે
મટવાની આશા પણ નથી. એટલે આનંદપૂર્વક શરીર છોડું તે ઉત્તમ છે. અને તે મુજબ યોગ્ય લાગશે ત્યારે હું એમ કરીશ.
“મારા શરીરનો અગ્નિસંસ્કાર એકાંતમાં શાંત જગ્યાએ, મૃત્યુસ્થળની નજીકમાં અને તે પણ ૪થી ૬ની હાજરીમાં કરવો; ઘણા માણસો ભેગા ક૨વા નહિ તેમ મારા સેવકોને ફરમાવું છું.
—
“મારાં અસ્થિને પણ નદીમાં પૂરેપૂરાં પધરાવી દેવાં. મારા નામનું ઈંટ કે ચૂનાનું કોઈ સ્મારક કરવું નહિ, મારા મૃત્યુ નિમિત્તે જે કંઈ નાણાં-ભંડોળ ભેગા થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો.
“તા. ૧૯-૭-૧૯૭૬ (સહી) ચુનીલાલ આશારામ ભગત ઉર્ફે મોટા”
શ્રી મોટાના સાધનામય જીવન અને સેવામય કાર્યના નિચોડ સમો આ પત્ર એમના બધા જીવનસાધકો માટે માર્ગદર્શક વસિયતનામાની ગરજ સારે એવો ઉત્તમ છે*. શ્રી મોટા મરણને સામે ચાલીને આવકારીને કેવા અમર બની ગયા એની સાક્ષી પણ આ પત્ર નિરંતર આપતો રહેશે. આ પત્રનું મનનપૂર્વક વાચન કરતાં અંતરમાં એક પ્રશ્ન જાગી ઊઠે છે કે શ્રી મોટાને પોતાના અવસાનનાં એંધાણ કળાઈ ગયાં હતાં કે પોતાના સંકલ્પના બળે પોતાના દેહનો વિલય કરવા માટે એમણે કાળને તેડાં મોકલ્યાં હતાં ? કાગળ વાંચતાં તો કાળને તેડાં મોકલ્યાંની વાત જ સાચી માનવાનું મન થાય છે. એ ગમે તે હોય, તેઓએ જેવું જીવન જીવી બતાવ્યું હતું એને પરિણામે તેઓ સમાધિમરણના સાચા અધિકારી બની શક્યા હતા.
શ્રી મોટાની સાધના-કથા કહે છે કે સને ૧૯૩૦માં, એમને મનની નીરવતાનો, સને ૧૯૩૪માં સગુણ બ્રહ્મનો (દ્વૈતભાવનો) અને સને ૧૯૩૯માં, રામનવમીના પર્વદિને, કાશીતીર્થમાં નિર્ગુણ બ્રહ્મનો (અદ્વૈતભાવનો) સાક્ષાત્કાર થયો હતો. આ છેલ્લા સાક્ષાત્કારનું વર્ણન કરતાં તેઓએ (જીવન-દર્શન, પૃ.૩૮૦) લખ્યું છે : “૧૯૩૯ના માર્ચના રામનવમીની રાત્રે કાશીમાં અદ્વૈતના સાક્ષાત્કારનો અનુભવ થયેલો. જાણે અનેક કોટિ સૂર્યોનો પ્રકાશ આજુબાજુ પથરાઈ જઈને શરીરમાં પણ પ્રવેશ્યો. ત્યારે મહાસમાધિમાં ઊતરી જવાનું બનેલું. સમાધિમાંથી જાગતાં જોયું તો શરીરનો ગુહ્ય ભાગ અને તેની આજુબાજુનો ભાગ પણ બળી ગયેલો, જેની દવા બનારસ યુનિવર્સિટીના આયુર્વેદિક કૉલેજના ડીન શ્રી પાઠકસાહેબની કરાવેલી. તે અનુભવની વેળાએ, ત્યારથી જ, મુક્તદશાની શરૂઆત થઈ ચૂકી. ‘I am Omnipresent' (‘હું સર્વત્ર વિદ્યમાન છું') એવી ચેતનાત્મક ભાવનાનો સર્વપ્રકારે વિકાસ પ્રવર્તમાન હતો અને છે.”
* લેખકશ્રી પોતે જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આ પત્ર માટે ઊંડો અહોભાવ બતાવતા રહેતા. પોતાના મરણના અન્વયે દેહદાન ઉપરાંત માણસો ભેગા ન કરવા અંગેની સૂચનાઓ વસિયતનામામાં પણ ઉમેરેલ. -સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org