________________
અમૃત-સમીપે
(૩) વિશ્વવત્સલ વિશ્વનાગરિક ધર્મગુરુ સૂજી ગુરુજી
૨૯૮
પોતાનો આંતરિક વિકાસ સાધવાની ઉત્કટ તમન્નાથી પ્રેરાઈને જ્યારે માનવી કુટુંબ-કબીલા અને સંપત્તિ-સાહ્યબીના દેખીતી રીતે સુખકર મનાતા માર્ગનો ત્યાગ કરીને કઠિન લેખાતા સાધનામાર્ગનો સ્વીકાર કરે છે, ત્યારે તે અમુક જૂથનાં જ હિત-ભલાઈને વરેલ વ્યક્તિ મટીને વિશ્વભરનું ભલું ચાહનાર વ્યક્તિ બની જાય છે, વિશ્વનાગરિક બની જાય છે. એથી સમગ્ર જનસમાજના ગુરુપદને શોભાવી જાણવાની જવાબદારી એના ઉપર આવે છે. આમ છતાં સાચા આત્મસાધકનું પહેલું કાર્ય આત્મસાક્ષાત્કાર ક૨વાનું હોય છે; તે સિદ્ધ થયા પછી જ લોકકલ્યાણ કે વિશ્વકલ્યાણ માટેની વ્યાપક પ્રવૃત્તિ હાથ ધરવાની હોય છે. પણ ત્યાગમાર્ગના અંચળાનો સ્વીકાર કરવાની સાથે પોતાનું લોકગુરુ અને વિશ્વનાગરિક તરીકે સર્વમંગલકારી રૂપાંતર થઈ જાય છે એ પાયાની વાત કોઈ અતિવિરલ આત્મસાધક જ સમજે-સ્વીકારે છે.
એક ધર્મગુરુ વિશ્વકલ્યાણની વૃત્તિ અને પ્રવૃત્તિને આત્મસાત્ કરીને, હૃદયની વિશાળતાને કેળવીને, પોતે અમુક ધર્મના અનુયાયી હોવા છતાં પોતાને ધર્મ સમજાવેલી ઉદાર દૃષ્ટિનો આશ્રય લઈને લોક્સેવામાં કેટલો મોટો ફાળો આપી શકે છે, એનો એક દાખલો જાણવા જેવો છે. એ ત૨ફ જૈનસંઘનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવાનું યોગ્ય માન્યું છે.
આ ધર્મગુરુ છે તો બૌદ્ધ ધર્મસંઘના ભિક્ષુ; પણ એમણે પાંથિક દૃષ્ટિ તથા સાંપ્રદાયિક સંકુચિતતાનો ત્યાગ કરીને દાયકાઓથી દેશ-વિદેશની દીન-દુઃખીદલિત-પતિત જનતાની નિષ્ઠાપૂર્વક સેવા કરવાના વ્રતનો સ્વયંપ્રેરણાથી સ્વીકાર કર્યો છે. તેથી તેઓ પોતાની જાતને અમુક ધર્મ-પંથના અનુયાયી તરીકે ઓળખાવવાને બદલે ખુમારીપૂર્વક અને સાચા અર્થમાં વિશ્વનાગરિક-રૂપે ઓળખાવે છે, અને વ્યાપક ધર્મદ્રષ્ટિથી, વિશ્વશાંતિ અને લોકકલ્યાણ માટે સતત પ્રયત્ન કરતા રહે છે.
તેઓ જાપાનના વતની છે, નિમીદાસુ ફૂજી એમનું નામ છે અને ‘ફૂજીગુરુજી'ના આદર-સ્નેહભર્યા નામે તેઓ સર્વત્ર ઓળખાય છે. અત્યારે તેઓ ૯૫ વર્ષ જેટલાં વૃદ્ધ છે, છતાં વૃદ્ધાવસ્થાના, અવિરત સેવાકાર્યના તથા સમયના ઘસારા ન તો એમને સ્પર્શી શક્યા છે કે ન તો એમની સેવાભાવના અને સેવાપ્રવૃત્તિને શિથિલ બનાવી શક્યા છે ! એક સદા જાજરમાન અને શક્તિસભર વ્યક્તિની જેમ તેઓ વિશ્વશાંતિ, વિશ્વમૈત્રી અને વિશ્વબંધુત્વની ભાવનાની સ્થાપના માટે અને માનવજાત સુખ-શાંતિમાં રહી શકે અને એનાં દુઃખ-દારિદ્રય ઓછાં થાય એ માટે અવિરત પુરુષાર્થ કરતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org