________________
૨૯૨
અમૃત-સમીપે (૨) લોકકલ્યાણના પુણ્યયાત્રિક શ્રી મોટા”
લોકકલ્યાણ પણ જીવનસાધનાનો એક માર્ગ છે; અને એવી ભાવના અને પ્રવૃત્તિને વરેલા સંતો દીન-દુઃખી જગત માટે મોટું આસ્વાસન, આશા અને આધાર બની રહે છે. એવા અખંડ સંતોની પરંપરા એ જગતની ખુશનસીબી છે.
આ યુગના જે કોઈ સંતો લોકકલ્યાણને માટે પોતાનાં તન-મન-ધનને ઘસારો આપવામાં આનંદ અને ઈશ્વરભક્તિ અનુભવે છે, એમાં શ્રી “મોટા'નો પણ સમાવેશ થાય છે. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં ગુજરાતમાં સામાન્ય માનવીને ઉપયોગી થાય એવા જ્ઞાનથી લઈને તે ઉચ્ચ કક્ષાના જ્ઞાનના પ્રસાર માટેની જુદી-જુદી યોજનાઓને શરૂ કરવા માટે, યુવાનોમાં સાહસિક વૃત્તિનો વિકાસ કરનારી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે અને દેશની, અને વિશેષ કરીને ગુજરાતની જનતાનું, અને ખાસ કરીને નવી પેઢીનું હીર, તેજ અને બળ વધે એ માટે શ્રી મોટાએ જે અવિરત પુરુષાર્થ કર્યો છે તે ખરેખર બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવો અપૂર્વ છે. એમ લાગે છે કે લોકોપકારની પ્રવૃત્તિ જ તેઓને માટે બળ, યૌવન અને જીવન છે.
શ્રી મોટાની લોકકલ્યાણ માટેની બધી પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય કે માનવીય કક્ષાની જ હોય છે. એટલે એમાં વર્ણ, જ્ઞાતિ, કોમ, ધર્મ કે એવા કોઈ નકલી ભેદભાવને મુદ્દલ સ્થાન નથી હોતું. તેઓ જીવનવિકાસના સૌના સમાન અધિકારના પાયાના સિદ્ધાંતને અપનાવીને જ પોતાની બધી કલ્યાણ-પ્રવૃત્તિઓ અને યોજનાઓ ચલાવે છે. ધર્મગુરુની તોલે આવનારા આ સંતમાં લોકકલ્યાણની ભાવના અને પ્રવૃત્તિનો આટલો વ્યાપક અને સર્વગ્રાહી વિકાસ થવો એ એક વિરલ અને અજોખી ઘટના લેખાય. લોકકલ્યાણની નિર્મળ, નિઃસ્વાર્થ અને નિષ્ઠાભરી પ્રવૃત્તિ નિર્લેપપણે કરતાં પોતાની જાતનું ભલું તો આપમેળે જ થઈ જવાનું છે એવી બૌદ્ધધર્મના મહાયાનપંથની ભાવના શ્રી મોટાના જીવન સાથે જાણે તાણાવાણાની જેમ વણાઈ ગઈ છે. વળી, પોતાનાં ભકૃત કે પ્રશંસક નરનારીઓની ભક્તિશીલતાના અતિરેકની સુંવાળી કે લપસણી ભૂમિમાં પોતાનું ધ્યેય વિસરી ન જવાય એ માટે શ્રી મોટા સતત જાગૃત રહે છે. આજે તો ધર્મ જેવા પવિત્ર ક્ષેત્રમાં પણ આ વિશેષતા વધુ ને વધુ દોહ્યલી બનતી જાય છે.
- વડોદરા જિલ્લાનું સાવલી ગામ એ તેઓનું વતન. તા. ૪-૮-૧૮૯૮ને રોજ એક વણકર કુટુંબમાં તેઓનો જન્મ થયો હતો. તેઓનું નામ ચુનીલાલ, તેઓના પિતાનું નામ આશારામ, માતાનું નામ સૂરજબા; જ્ઞાતિ ભાવસાર. જન્મથી તેઓને કારમી ગરીબીનો કડવો અનુભવ મળ્યો હતો. જીવનસાધના કરતાં-કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org