________________
શ્રી રવિશંકર મહારાજ
મહારાજનું અસ્વાદવ્રત અખંડ છે. તેઓ સુખશીલતા અને એશઆરામની વૃત્તિથી સદા દૂર રહે છે. સાચા સાધકને એવા સુંવાળા માર્ગે જવામાં અધઃપાતનું જે જોખમ રહેલું છે એ તેઓ બરાબર જાણે છે. તેથી જ એમનું શરીર પૂરેપૂરું ખડતલ અને વજ્ર જેવું મજબૂત બની રહ્યું છે. છેલ્લાં થોડાં વર્ષથી ઘડપણે પોતાની અસર શરીર ઉપર દેખાડવા માંડી તે પહેલાં મહારાજ જરા ય થાક કે કંટાળો સેવ્યા વિના આનંદથી માઈલો ચાલતા અને ઊંઘ-આરામને ભૂલીને દિન-રાત કલાકો સુધી કામ કરતા. હજી આટલી વૃદ્ધ ઉંમરે પણ જાણે કામ, કામ અને કામ જ એમનો ઉપાસ્ય દેવ છે. સાચે જ, તેઓ આદર્શ કર્મયોગી છે.
મહાત્મા ગાંધીજીની મહારાજ ઉપર ઘણી મોટી અને ઊંડી અસર પડી છે; અને આ વાતનો મહારાજ ખૂબ કૃતજ્ઞતાથી સ્વીકાર કરે છે. ગાંધીજીની ચરખાપ્રવૃત્તિને, અસ્પૃશ્યતા-નિવારણની પ્રવૃત્તિને, સત્યાગ્રહની લડતને તેમ જ બીજી અનેક રચનાત્મક તથા રાષ્ટ્રમુક્તિની અહિંસક લડતને લગતી પ્રવૃત્તિઓને લોકપ્રિય અને સફળ બનાવવામાં મહારાજ હમેશાં પોતાનો નોંધપાત્ર ફાળો આપતા જ રહ્યા છે.
૨૯૧
વળી, આપણા તત્ત્વદ્રષ્ટા, કવિહૃદય, સંત, રાષ્ટ્રપુરુષ શ્રી વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં પણ મહારાજે નોંધપાત્ર ફાળો આપ્યો છે, અને પોતાની ધ્યેયનિષ્ઠાથી એમના હૃદયને જીતી લીધું છે.
જેમ મહારાજ આદર્શ સંત અને લોકસેવક છે,તેમ જેલ-નિવાસ દરમ્યાન તેઓએ આદર્શ કેદી તરીકેની નામના મેળવી હતી. સત્યાગ્રહી તરીકે પણ તેઓ આદર્શ હતા.
એમ લાગે છે કે માનવસેવાને તેઓ પ્રભુસેવાનો, પ્રભુને પામવાનો સફળ અને ઉત્તમ માર્ગ માને છે. તેથી જ માનવસમાજ ઉપર દુષ્કાળ, રેલસંકટ કે રોગચાળા જેવી કુદરતસર્જિત કે કોમી હુલ્લડ જેવી માનવસર્જિત આફત આવી પડે છે, ત્યારે તેઓ વગર કહ્યે જ સેવા કરવા પહોંચી જાય છે. એવે વખતે એમની અહિંસા અનેણા, શતદળ કમળની જેમ, ખીલી ઊઠે છે. લોકસેવાની આ મહાતપસ્યામાં તેઓનું હીર વિશેષ પ્રગટે છે. પ્રયત્ન પૂરો કરવો અને ફળ ભગવાનના હાથમાં સોપવું એવી એમની ઈશ્વરનિષ્ઠા છે. તેથી તેઓ સફળતાથી ફુલાઈ જતા નથી અને નિષ્ફળતાથી વિલાઈ જતા નથી.
અત્યારે દેશના બીજા ભાગોની જેમ ગુજરાત ઉપર પણ દુષ્કાળનો કારમો પંજો ફરી વળ્યો છે. એવે વખતે પ્રજાને રાહત આપવા માટે મહારાજ આટલી વૃદ્ધ ઉંમરે પણ કેટલી બધી ચિંતા, પ્રવૃત્તિ અને દોડધામ કરે છે ! આ દરમ્યાન થોડા દિવસ પહેલાં થાપાનું હાડકું ભાંગી જવાથી મહારાજને પથારીવશ બનવું પડયું છે; છતા અસહ્ય વેદનાને પણ તેઓ સ્વસ્થતાથી બરદાસ્ત કરી રહ્યા છે, અને એમનું મન તો દુષ્કાળનિવારણમાં જ રોકાયેલું છે !
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૩-૩-૧૯૭૩)
www.jainelibrary.org