________________
૨૯૦
અમૃત-સમીપે
કોઈ ને કોઈ રીતે બીજાના કામમાં આવવું અને એમાં સ્વાર્થનો અંશ પણ આવવા ન દેવો, એવું નિર્ભેળ પરગજુપણું રવિશંકર મહારાજને માટે અતિ સહજ વાત છે. તેઓ જે કંઈ કાર્ય કે સેવા કરે છે, તે ઉપકારબુદ્ધિથી નહીં, પણ કર્તવ્યને અદા કરવાની પવિત્ર ધર્મ-બુદ્ધિથી જ કરે છે. જીવન ખૂબ ઉન્નત ભૂમિકાએ પહોંચ્યું હોય તો જ આવી ઈશ્વરી બક્ષિસ મળે.
આવી પરગજુવૃત્તિ અને માનવજાત તરફની અદમ્ય મહોબ્બતથી પ્રેરાઈને જ રાનીપરજ અને પાટણવાડિયા જેવી ગુનેગાર અને આદિવાસીઓના જેવી અણુવિકસિત તથા પછાત ગણાતી કોમોને સુધારવા, સંસ્કારી બનાવવા માટે, એમનો ઉદ્ધાર કરવા માટે, મહારાજ જીવસટોટસટનાં સાહસ ખેડવામાં અને થકવી નાખે એવા આકરા પ્રયત્નો કરવામાં ક્યારેય જરા ય પાછા પડ્યા નથી. ખૂનખાર બહારવટિયાઓનાં મન જીતવા માટે અને એમને ખોટે માર્ગેથી સારે માર્ગે વાળવા માટે આ સ્વનામધન્ય મહાપુરુષે વૈરભાવ વગરનાં જે પરાક્રમ કર્યાં છે તે તો શાંત વી૨૨સની એક યાદગાર દાસ્તાન બની રહે એવાં છે. કરુણાભીના વાત્સલ્યનો જ આ વિજય ગણી શકાય. સાધુચરિત મહારાજે ક્યારેય સાધુનો વેશ ધારણ કરીને પોતે સાધુ કે જીવનસાધનાના માર્ગના યાત્રિક છે એવો દેખાવ કરવાનો પ્રયત્ન કર્યો નથી.
જનસેવાના વ્રતધારી આ મહાનુભાવની જીવનસાધના તો જુઓ ઃ સત્ય અને અહિંસા એમના જીવન સાથે તાણાવાણાની જેમ એકરૂપ બની ગયાં છે. એ માટે એમણે પોતાના જીવનને પૂર્ણ સંયમી અને ઇંદ્રિયોના નિગ્રહની બાબતમાં ઉત્તમ નમૂનારૂપ બનાવ્યું છે. એમણે કેળવેલી અપરિગ્રહની ભાવના પણ એક શ્રેષ્ઠ બ્રાહ્મણને છાજે એવી છે. જીવનમાં કોઈની એક પાઈ પણ આઘી-પાછી કર્યાનો દોષ ન લાગે એની તેઓ પૂરી તકેદારી રાખે છે.
ભલે તેઓ વિદ્વાનોની નજરે ઓછું ભણેલા અને માહિતીના સંગ્રહરૂપ શિક્ષણ ઓછું પામેલા હોય; પણ એમના થોડા પણ નિકટના પરિચયમાં આવનારને એમ લાગ્યા વગર નહીં રહે કે તેઓ ખૂબ ગણેલા અને ભણતરમાત્રનો સાર પામેલા છે; તેમ જ પ્રશ્નોને સમજવાની એમની સૂઝ અને એનો નિકાલ લાવવાની એમની હૈયાઉકલત અસાધારણ છે. કેળવણીનો અર્થ જીવનઘડતરનું વિજ્ઞાન કરીએ તો એમાં તેઓ ખૂબ નિપુણ છે અને એની સુભગ અસર એમનાં નાના-મોટા એકેએક વર્તન-વ્યવહારમાં પ્રસરેલી જોવા મળે છે, અને એથી તેઓનું સમગ્ર જીવન ભવ્ય બન્યું છે. મહારાજમાં યોગીઓને પણ મુશ્કેલીથી સિદ્ધ થઈ શકે એવી વિચાર-વાણીવર્તનની નિર્મળ એકરૂપતાના, અર્થાત્ નિર્દેભતા અને નિખાલસતાનાં આહ્લાદકારી દર્શન થાય છે. અને તેથી જ એમની ફૂલ ઝરતી, ચાંદીની ઘંટડી જેવી સુમધુર વાણી ભલભલા કઠણ હૈયાને સ્પર્શીને મુલાયમ બનાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org