________________
(૧) લોકસેવાના મહાતપસ્વી શ્રી રવિશંકર મહારાજ
માનવીને માનવજીવનનો મહિમા સમજાવવો એના જેવું કોઈ પુણ્ય નથી અને માનવીને સાચો માનવી બનાવવો એનાથી મોટો કોઈ કીમિયો નથી. જીવનની સાધના દ્વારા રોમ-રોમમાં માનવતાનો પ્રવેશ થઈ ગયો હોય તો જ આવા પુણ્યકાર્યની શક્તિ અને આવો અપૂર્વ કીમિયો પ્રાપ્ત થાય છે. ગુજરાતના મૂક લોકસેવક અને રાષ્ટ્રીય સંત, પુણ્યશ્લોક શ્રી રવિશંકર મહારાજ આવા જ મહાન કીમિયાગર છે.
આ ધરતીને સ્વર્ગ સમી સુખી અને સુન્દર બનાવવી અથવા નરક સમી દુ:ખી અને વરવી બનાવવી એ માનવીના પોતાના હાથની વાત છે. તેથી જ માનવીને સાચો માનવી બનાવવાનું કામ ખૂબ ઉપયોગી અને ઉપકારક કાર્ય છે. એ કામ માટે નિષ્ઠાભર્યો પુરુષાર્થ કરવો એ શ્રી રવિશંકર મહારાજનું જીવનવ્રત છે. સદાસર્વદા સતત જાગૃત રહીને તેઓ એ વ્રતનું, તલવારની ધાર ઉપર ચાલવાની જેમ, પાલન કરે છે.
તપ, જપ, ધ્યાન, ભક્તિ કે મૌન કરતાં પણ માનવજાતના ઉદ્ધારનું આ કાર્ય વિશેષ કપરું છે. તપ-જપ વગેરેની સાધનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા ઉપરાંત બીજા-બીજા ગુણો અને બીજી-બીજી શક્તિઓને કેળવવામાં આવે તો જ આ કાર્ય થઈ શકે છે. હૃદય મુલાયમ, કરુણાળુ, સંવેદનશીલ હોય, ને માનવી ઉપર વરસતાં અધર્મ, અન્યાય, અત્યાચાર, દુ:ખ, દીનતા, લાચારી જોઈને દ્રવવા લાગે અને એની સામે એમાં પુણ્યપ્રકોપ જાગી ઊઠે, વળી અજ્ઞાન, મેલાંઘેલાં કે માંદા માનવીઓને જોતાં તેમાં સુગ કે અણગમો જાગવાને બદલે માતાની જેમ તે લાગણીભીનું અને વાત્સલ્યસભર બને તો જ વ્યક્તિ આ કાર્ય માથે લેવાની હામ ભીડી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org