________________
મુનિશ્રી જનકવિજયજી
૨૫૯
અભણ અને સંસ્કારવિમુખ ગણાતા લોકોના ઘડતરનું જે કામ કરી રહ્યા છે, તે અંગે તેઓએ પોતાના આ કાગળમાં લખ્યું છે
-
“અત્રે જૈનનું એક પણ ઘર નથી, છતાં બધાં જ લોકે સેવા-ભક્તિ અને રાત્રિના સત્સંગનો લાભ, વિના ભેદભાવ લઈ રહ્યા છે. નિઃસ્પૃહતા, ત્યાગવૃત્તિ, વિશાળતા તથા સર્વધર્મસમન્વયની દૃષ્ટિના કારણે જૈન સાધુના પ્રતિ લોકોમાં શ્રદ્ધાભક્તિ ઉત્પન્ન થઈ રહી છે. હમણાં ગાયત્રીમંત્ર અને નવકારમંત્ર ઉપર સમન્વયની દૃષ્ટિએ વિવેચન કરીને સમજાવ્યું, તો ઘણાં લોકોએ નવકાર-મંત્ર યાદ કરી લીધો.
“આપ જાણો છો કે મારા કાર્યક્રમમાં ધર્માન્તર, સંપ્રદાયાન્તર કે વટાળવૃત્તિ જેવું નથી. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદના ધ્યેયને સન્મુખ રાખી માનવમાત્રના અહિંસકવૃત્તિ, કરુણા, મૈત્રી, સત્યનિષ્ઠા, સેવા, પરોપકાર, ગુણાનુરાગિતા, અધ્યાત્મજાગૃતિ ઇત્યાદિ ગુણોનો વિકાસ થાય, માનવ સાચો માનવ બને, સંકુચિતતા અને સાંપ્રદાયિક દુરાગ્રહને છોડી સત્યાગ્રહી બને, એ માટે પ્રયાસો ચાલે છે.
“જગાધારી તાલુકાના આ બિલાસપુર બ્લૉકમાં હું ૬-૭ વર્ષ પહેલાં આવ્યો હતો; ફકત ૪-૫ દિવસ જ રોકાવાનો પ્રોગ્રામ હતો. આ વખતે ચોમાસા પહેલાં એક માસ રોકાયાં. સમાજ-સેવિકા, રિટાયર અધ્યાપિકા કૃષ્ણાબહેનના સહયોગથી સ્ત્રીજાતિમાં સારી જાગૃતિ આવી. મહોલ્લે-મહોલ્લે બપોરના સત્સંગનો પ્રોગ્રામ ચાલ્યો. સર્વોદય, આદર્શ બાલમંદિર તથા મહિલામંડળની સ્થાપના થઈ. તે વખતથી અત્રેના લોકો ચોમાસુ કરાવવાની ભાવના રાખતા હતા. તેઓની ભાવના મુજબ અમારું ચોમાસુ અત્રે થયું. ચોમાસામાં રાત્રિના સત્સંગ દ્વારા ભાઈઓમાં સારી જાગૃતિ આવી. ‘મહર્ષિ વ્યાસ શિક્ષાનિકેતન' નામની ગામના લોકોની એક સંસ્થા ઊભી થઈ. પંદર વર્ષથી વ્યાસ-ઋષિના નામનું જે મકાન અધૂરું હતું, તેને પૂર્ણ કરાવવા ફંડ એકઠું થવા લાગ્યું. મહિલા-સમાજે ત્રણ હજારનું ફંડ કર્યું, ચાર હજાર જેટલું ભાઈઓએ કર્યું. કામ ચાલુ છે. આ મકાનમાં શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓ ચાલશે.
“પર્યુષણ બાદ નશાબંદીને માટે જનમત તૈયાર કરવાનો, લોકો ‘દારૂથી સર્વનાશ'ને સમજી એને છોડવા તૈયાર થાય તે માટે જુદાજુદા સ્થાને સત્સંગના પ્રચારનો તથા મિટિંગનો કાર્યક્રમ શરૂ થશે. પ્રધાનમંત્રીની નશાબંદીની બારસૂત્રીનો પ્રચાર તથા જનજાગરણ માટે અંબાલા શહેર, અંબાલા છાવણી, મુસ્તફાબાદ, જગાધરી, યમુનાનગરમાં નશાબંદી-સમિતિઓ સ્થાપિત થઈ ગઈ છે, તેમ અત્રે પણ થશે. આ કામમાં નશાબંદી-સમિતિના તથા સર્વોદય-સંસ્થાના કાર્યકર્તાઓનો પ્રસંગે-પ્રસંગે સહયોગ મળતો રહે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org