________________
૨૫૪
અમૃત-સમીપે વિનાનો બની ગયો છે ! ત્રણ દાયકા સુધી તેઓ આ સંસ્થાની ઉત્તમ સેવા બજાવતા રહ્યા.
સેવાના કઠોર માર્ગે પોતાના જીવનની પળેપળને અને પોતાની શક્તિની રજેરજને ઘસીને, ૮૦ વર્ષની જઇફ ઉંમરે, વિશ્રાંતિના પૂર્ણ અધિકારી બનીને શ્રી ગુલાબબાપા સોનગઢમાં તા. ર-પ-૧૯૯૭ના રોજ સ્વર્ગવાસી થયા; ધન્ય બની ગયા ! એમના કાળધર્મની નોંધ લેતાં એ સંતપુરુષની અપ્રતિમ કામગીરીની ઘેરી યાદથી અંતર ગમગીન બની જાય છે; અને છતાં અંતરમાંથી “જય જય નંદા, જય જય ભદાના ઉદ્ગારો જ નીકળી પડે છે : એવું ભવ્ય, કર્તવ્યપરાયણ અને આદર્શ જીવન હતું. શ્રી ગુલાબબાપાનું.
શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ તરફથી તાજેતરમાં પ્રગટ કરવામાં આવેલ વિજ્ઞપ્તિમાં શ્રી ગુલાબબાપાનો પરિચય આપતાં કહેવામાં આવ્યું છે –
“સ્વ. પૂ. શ્રી ગુલાબચંદ્રજી મહારાજ આ સંસ્થામાં કચ્છના પૂ. શ્રી. કલ્યાણચંદ્રજી મહારાજ સાથે આવ્યા હતા, અને તરત જ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. તેમનો નિત્યક્રમ જોઈએ તો આનો ખ્યાલ આવશે. કોઈ પણ ઋતુમાં રોજ વહેલી સવારે ત્રણ વાગે ઊઠી ઠંડા પાણીએ સ્નાન આદિથી પરવારી આશ્રમના સર્વ વિભાગોમાં જાતે ધૂપદીપ ફેરવતા. ચાર વાગે દેરાસરમાં હાર્મોનિયમ સાથે તેમનો સુંદર કંઠ સ્નાત્રપૂજાના શ્લોકોમાં ગુંજી ઊઠતો. પાંચ વાગે જાતે જ વિદ્યાર્થીઓને જગાડે, સંગીત સાથે પ્રાર્થના ગવડાવે અને સૌને પોતે જ દાતણ આપે. સવારમાં કેટલાક વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠો શિખવાડે. વિદ્યાર્થીઓની સફાઈ, વ્યાયામ અને સંગીતની પ્રવૃત્તિઓમાં એ હાજર હોય જ. બીમાર વિદ્યાર્થીઓની શુશ્રુષા તેઓ પોતાના હાથે ખૂબ ઉત્સાહથી કરતા. પાટાપિંડી અને મલમપટ્ટા તો તેઓ પોતાના હાથે જ કરતા.
“વિદ્યાર્થીઓ પોતાના કામમાં પડે એટલે તેઓશ્રી સિલાઈકામ, સુથારીકામ, લુહારીકામ જેવા હસ્ત-ઉદ્યોગોની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જતા. આશ્રમની ખેતીવાડીનું કાર્ય તેઓ જાતે જ સંભાળતા. તેઓશ્રીના અક્ષર મોતીના દાણા જેવા હતા. તેઓશ્રી સંસ્કૃત અને સંગીતમાં પારંગત હતા.
“આરામ હરામ હૈ” સૂત્ર તેઓશ્રીના જીવનમાં વણાઈ ગયેલ. વહેલી સવારથી રાતના ૮ વાગ્યા સુધી તેઓ પ્રવૃત્તિમય જ રહેતા. રાત્રે ૯ વાગે સૂઈ જવાનો કાર્યક્રમ પણ કદી ન ફરતો. વિદ્યાર્થીઓમાં કડક શિસ્તપાલનના તેઓશ્રી આગ્રહી હતા. સ્વચ્છતા, સાદાઈ અને નિયમિતતા તેમના આગવા ગુણો હતા. ઘડિયાળ ખોટી હોય પણ ગુલાબબાપા કદી મોડા ન પડે. પૂ. શ્રી. કલ્યાણચંદ્રજી મહારાજની તેઓશ્રીએ વર્ષો સુધી ખૂબ સેવા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org