________________
૨૩૨
અમૃત-સમીપે
સજ્જ રહેવું જ પડે છે; અને મહારાજશ્રી આથી લેશ પણ વિચલિત નહોતા થયા એ જ એમની સમતા, દૃઢતા અને સત્યપરાયણતાની ખાતરી આપે છે. આ પુસ્તિકાને અંતે તેઓએ જે લખ્યું છે તે મનન કરવા જેવું છે : “અમારો મૂળ ઉદ્દેશ જિનપૂજાવિધિની જૂની અને નવી પૂજાપદ્ધતિનું દિગ્દર્શન કરાવવાનો અને કાલાન્તરે તેમાં થયેલાં પરિવર્તનો તથા તેનાં પરિણામો બતાવવાનો હતો. વાચકગણ જોશે કે આ લેખમાં અમે તે જ વસ્તુનો સ્પર્શ કર્યો છે કે જે અમારા ઉદ્દેશની મર્યાદામાં હતી. પૂજાની નવી પદ્ધતિનાં અનિષ્ટ પરિણામોની બાબતમાં અમારે બે શબ્દો લખવા પડ્યા છે તે કેટલાક ભાઈઓને અરુચિકર લાગશે એ અમે સમજીએ છીએ, પણ ઇતિહાસલેખકના માર્ગમાં આવા પ્રસંગો તો આવવાના જ. ખરો ઇતિહાસ લખવો અને સત્ય છુપાવવું એ બે વાતો સાથે થઈ શકતી નથી; એટલે ઇતિહાસકારને માટે એ વસ્તુ અનિવાર્ય હતી.”
આ પ્રકરણને મહારાજશ્રી સામે વિરોધ જગાવવાનું મોટું નિમિત્ત બનાવીને, એમની વિદ્વત્તા અને સાધુતાનો લાભ લેવાની સામે જે નાકાબંધી જેવી હીન અને શોચનીય વૃત્તિ દાખવવામાં આવી હતી તેથી સંઘને જે નુકસાન થયું છે તે ઘણું મોટું છે. પણ જ્યાં માત્ર અહંભાવ, અંધશ્રદ્ધા અને નરી સંકુચિત મનોવૃત્તિની જ બોલબાલા થતી હોય, ત્યાં આવા નુકસાનને સમજવા-સ્વીકારવા જેવી વિવેકદૃષ્ટિ કોણ દાખવી શકે?
મહારાજશ્રીનું સાહિત્યસર્જન ઘણું વિપુલ છે, અને એની વિગતે રજૂઆત કરવાનું લાભકારક હોવા છતાં અહીં એ કરવું શક્ય નથી. વળી, એમના પ્રગટ થયેલ સાહિત્ય ઉપરાંત અપ્રગટ સાહિત્ય પણ હજી ઠીક-ઠીક પ્રમાણમાં છે; એને પ્રકાશિત કરવામાં આવે એવી અમારી વિનંતિ છે.
પોતાની પાસેના હસ્તલિખિત ભંડારનો એના ખપી વિદ્વાનો સહેલાઈથી અને છૂટથી ઉપયોગ કરી શકે એ માટે, મહારાજશ્રીએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને, થોડાંક વર્ષ પહેલાં જ, એ ભેટ આપી દીધો હતો. મહારાજશ્રીની આ દીર્ઘદૃષ્ટિ અને ઉદારતા દાખલારૂપ બની ૨હે એવી છે.
ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણકલ્યાણક મહોત્સવની રાષ્ટ્રીય ધોરણે વ્યાપક ઉજવણી કરવાની સામે જ્યારે તપગચ્છસંઘનો અમુક વર્ગ ભારે ઝનૂની જેહાદ જગાવીને આપઘાત જેવા અકાર્યમાં ખૂંચી ગયો હતો, એવા વખતે મહારાજશ્રીએ આ ઉજવણી સામેનો વિરોધ ખોટો હોવાનું કહેવાની સાથે આ ઉજવણીને આવકાર આપતું જે નિવેદન કર્યું હતું તે એમની લાભાલાભ સમજવાની વિવેકદૃષ્ટિ અને કોઈની પણ શેહ-શરમમાં તણાયા વગર સાચી વાતનું સમર્થન કરવાની હિંમતનું સૂચન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org