________________
મુનિશ્રી પુણ્યવિજયજી
૨૧૯
પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક જીવનસાધક અને જ્ઞાનોપાસક ધર્મપુરુષ હતા. તેઓનું જીવન ધર્મની સર્વમંગલકારી ભાવનાથી સુરભિત અને જ્ઞાનની જ્યોતિથી સદા ય પ્રકાશમાન હતું. તેઓની જ્ઞાનોપાસના એવી અખંડ અને ઉત્કટ હતી કે તેઓના રોમરોમમાં જાણે સાચા જ્ઞાનીની ગુણગ્રાહક અને સત્યચાહક વૃત્તિ સદા ય ધબકતી રહેતી હતી.
તેઓનું વતન ધર્મનગરી કપડવંજ. આગમોદ્ધારક આચાર્ય સાગરાનંદસૂરિજી પણ કપડવંજની જ વિભૂતિ હતા. મુનિશ્રી પુણ્યવિજયજીના પિતાશ્રીનું નામ દોશી ડાહ્યાભાઈ, એમના માતાનું નામ માણેકબહેન. વિ. સં. ૧૯૫૨ના કારતક સુદિ પાંચમ જ્ઞાનપંચમી કે લાભ-પાંચમ ને દિવસે એમનો જન્મ. એમનું નામ મણિલાલ. પાંચ સંતાનમાં એ એક જ બચેલા – અને તેઓ પણ મોતનાં મોંમાંથી બચી ગયા હતા. મણિલાલ ત્રણ-ચાર મહિનાના હતા, એ વખતે એકવાર એમને ઘોડિયામાં સુવારીને એમનાં બા તળાવે કપડાં ધોવા ગયાં હતાં. પાછળ મહોલ્લામાં આગ લાગી, એમાં એમનું ઘર પણ સપડાઈ ગયું. બાળકની ચીસો સાંભળીને એક વહોરા-સજ્જન સાહસ કરીને ઘરમાં પેસી ગયા અને બાળકને બચાવીને પોતાને ઘેર લઈ ગયા. એમને હતું કે થોડી વારમાં એનાં મા-બાપ આવીને પોતાનાં બાળકને લઈ જશે. એ નેકદિલ સજ્જને હિંદુના ઘરનું પાણી અને બકરીનું દૂધ પાઈને બાળકની માવજત કરી. માણેકબહેનને આગની ખબર પડી, તો એ બેબાકળાં ઘેર દોડી આવ્યાં : જોયું તો ઘર આખું આગમાં સ્વાહા ! એમને થયું : પોતાનો વંશવેલો વધારનાર બાકી એક પુત્રને પણ કાળનાં તેડાં અકાળે આવી ગયાં ! માણેકબહેનના દુઃખનો કોઈ પાર ન રહ્યો ! રાત સુધીમાં પણ કોઈએ બાળકની તપાસ ન કરી એટલે દિવસ ઊગતાં પેલા વહોરા સગૃહસ્થ બાળકને લઈને એનાં મા-બાપની ભાળ મેળવવા ગયા; દુઃખિયારી માતાને પોતાનો પુત્ર મળી ગયો !
-
પણ આ માતા-પુત્રનું ભાગ્યવિધાન કંઈક જુદું જ હતું. સત્તાવીશ વર્ષની નાની વયે માણેકબહેન વિધવા થયાં; નાના-સરખા કુટુંબ ઉપર દુ:ખનું મોટું વાદળ ફરી વળ્યું. માતા પોતાના ભાવિ-યોગને વિમાસી રહી. પણ જીવનભર સેવેલી ધર્મભાવના અને મેળવેલ ધર્મબોધે આ કારમા સંકટને સમયે તેમને સાચો સાથ આપ્યો. માતા અને તેના પગલે-પગલે તેર વર્ષના મણિલાલે પણ, સંસારનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. મણિલાલે, વિ. સં. ૧૯૬૫ના મહા વિદ પાંચમના દિવસે, વડોદરા પાસે છાણી ગામમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી; એમનું નામ ‘મુનિ પુણ્યવિજય' રાખવામાં આવ્યું. બે જ દિવસ પછી માતાએ પણ પાલીતાણામાં દીક્ષા લીધી; એમનું નામ સાધ્વી રત્નશ્રીજી. આ ધર્મપરાયણ સાધ્વી-માતા ૫૭-૫૮ વર્ષનો સંયમ પાળીને અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org