________________
૨૨૦
અમૃત-સમીપે
પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ આદર્શ શ્રમણ હતા. એમની સમતા, ક્ષમાશીલતા, સત્યપ્રિયતા, ગુણગ્રાહકવૃત્તિ અને આત્મપરાયણતા અતિ વિરલ હતી. શ્રી ચતુરવિજયજી મહારાજ પણ જ્ઞાન-ચારિત્રપરાયણ અને સતત વિદ્યાવ્યાસંગી સાધુપુરુષ હતા. આ બંને ગુરુ-શિષ્ય પોતાના આત્માના ઉદ્ધાર સાથે જ્ઞાનોદ્વા૨ના અને જ્ઞાનપ્રસારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. બંને એવા ઉદાર હતા કે ધર્મનાં કે વિદ્યાનાં ખપી જૈન-જૈનેતર સહુ કોઈ એમનાં વાત્સલ્યભર્યાં આદર-માન પામતાં.
મુનિશ્રી પુણ્યવિજયજીને તો જ્ઞાન અને ચારિત્રની આરાધના સિવાય બીજું કશું ખપતું જ ન હતું. બુદ્ધિ તેજસ્વી અને નિર્મળ હતી, સ્વભાવ નિખાલસ અને સરળ હતો અને ગુરુજનો હેતાળ અને ઉદાર હતા. જોતજોતામાં મુનિ પુણ્યવિજયજી જીવનવિકાસના પંથના યાત્રિક બની ગયા. પંડિતવર્ય સુખલાલજી તેમ જ બીજા અનેક વિદ્વાનો પાસે એમણે એકાગ્રતા અને નિષ્ઠાપૂર્વક અધ્યયન કર્યું; અને એમાં દાદાગુરુ અને ગુરુવર્યની ઉદાર વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. જેવી એમની વિદ્વત્તા એવી જ વિનમ્રતા. પંડિતવર્ય શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં મુનિશ્રી આનંદ અને ગૌરવ અનુભવતા.
અમુક વર્ષો કેવળ વિદ્યાભ્યાસમાં જ વિતાવ્યાં અને પછી જ્ઞાનોદ્વારનું કામ હાથ ધર્યું – એવું મહારાજશ્રીના જીવનમાં નથી બન્યું. મોટે ભાગે વિદ્યાભ્યાસ સાથે જ પ્રાચીન લિપિઓને અને પ્રતોને ઉકેલવાનો મહાવરો, પ્રેસકોપી કરવી, પાઠાંતરો નોંધવા, પાઠાંતરોનો નિર્ણય કરવો અને ભાષા અને વિષયની દૃષ્ટિએ ગ્રંથોનું સંશોધન-સંપાદન કરવું – આ બધું ચાલતું રહ્યું ; અને કામ કામને શીખવે એમ એક-એક બાબતમાં તેઓ નિપુણતા પ્રાપ્ત કરતા રહ્યા.
આમ તો તેઓ જૈન શાસ્ત્રોના સમર્થ અને અધિકૃત જ્ઞાતા હતા, પણ પોતાની જ્ઞાનોપાસનાને વ્યાપક અને મર્મગ્રાહી બનાવવા માટે એમણે બૌદ્ધધર્મ અને હિંદુધર્મના ગ્રંથોનું પણ અવગાહન કર્યું હતું.
જૈન આગમોના તો તેઓ સમર્થ અને અજોડ જ્ઞાતા હતા. જૈન સાહિત્યના આ વિશાળ ક્ષેત્રના અનેક આંતરપ્રવાહો એમની તલસ્પર્શી અને સર્વગ્રાહી જ્ઞાનોપાસનામાં ઝિલાતા રહ્યા. એમની જ્ઞાનોપાસના સત્યશોધક, દુરાગ્રહથી મુક્ત, સારગ્રાહી અને નિર્ભેળ હતી, આવી તટસ્થ, તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિથી તેઓશ્રીએ પોતાના ગુરુશ્રીના કે બીજા વિદ્વાનોના સહકારમાં તેમ જ સ્વતંત્રપણે પણ જૈન સાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથોનું, આધુનિક વૈજ્ઞાનિક સંશોધન-પદ્ધતિ પ્રમાણે, નમૂનેદાર સંશોધન-સંપાદન કર્યું. આગમસંબંધી તેઓના અગાધ જ્ઞાનને અંજલિરૂપે વડોદરાના શ્રીસંઘે તેઓશ્રીને ‘આગમ-પ્રભાકર'નું સાર્થક બિરુદ આપ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલ મૂળ આગમોને પ્રકાશિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org