________________
૨૧૮
અમૃત-સમીપે આ હકીકત જેમ એક બાજુ મહોપાધ્યાયજીની મહાપ્રશસ્તિરૂપ બનીને એમના ગૌરવનું ગાન કરે છે, તેમ બીજી બાજુએ આપણી જ્ઞાન-ઉપાસના શિથિલ બનતી જતી હોવાનું સૂચવીને આપણને વિચારતા પણ કરી દે છે. એટલે આજે જૈન સમાજ માટે એ ખૂબ જરૂરી થઈ પડ્યું છે કે તે પોતાનાં આવા પ્રતિભાસંપન્ન પૂર્વપુરુષનું નામસ્મરણ કરીને અને એમના જીવનમાંથી પ્રેરણા મેળવીને જિનપ્રવચનની વૃદ્ધિ થાય, જૈનસંઘનો અભ્યદય થાય એ રીતે નવા-નવા પ્રયત્નો હાથ ધરે અને જ્ઞાન તથા ચારિત્રમાં આગળ વધે. આમ થાય તો જ આપણે આપણા ગૌરવભર્યા ભૂતકાળનો સમુચિત ઉપયોગ કર્યો ગણાય; બાકી ભૂતકાળના ગૌરવનું ગાન કર્યા કરવાથી કશું ન વળે.
ઉપર કહ્યું તેમ, છેલ્લા બે સૈકાઓમાં આપણી જ્ઞાન-ઉપાસનાની ગતિ ધીમી થઈ છે એ સાચું, છતાં છેલ્લાં પાંચ-છ દાયકાઓનું અવલોકન કરતાં આ ક્ષેત્રની પરિસ્થિતિ કંઈક આશાભરી બનતી જતી હોય એમ પણ લાગે છે. તે એ રીતે કે એક બાજુ ઉત્તરોત્તર જૈનેતર વિદ્વાનોમાં – અને તે પણ દેશ અને પરદેશમાં સુધ્ધાં -- જૈનસંસ્કૃતિ પ્રત્યેની જિજ્ઞાસામાં અને જૈન સાહિત્યના અધ્યયનસંશોધનની રુચિમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ આપણા શ્રમણ-સમુદાયમાં પણ એ વૃત્તિને પોષે એવી ઉદારતા અને સંપ્રદાયમુક્ત સત્યશોધક દૃષ્ટિથી સાહિત્યનો અભ્યાસ કરવાની પ્રવૃત્તિ, ભલે ધીમી ગતિએ પણ, વૃદ્ધિ પામવા લાગી છે. આજે અમે શુભસંકેત માનીએ છીએ.
આવા એક પ્રખર પ્રજ્ઞાવાન સાધુપુરુષનું સ્મરણ આ યુગમાં આપણને બહુ માર્ગદર્શક થઈ પડે એમ છે. એમના જેવી સમન્વયગામી દૃષ્ટિથી જ જૈનધર્મનું સાચું સ્વરૂપ નીરખી શકાય એમ છે. એમના જેવી સહૃદયી અને સમન્વયસાધક પ્રજ્ઞા અને સૌજન્યમૂલક સાધુતા આપણા સંઘમાં પ્રગટો એ જ પ્રાર્થના.
(તા. ૧૨-૧૨-૧૯૫૩ તથા તા. ૨૪-૧૨-૧૯પપના લેખોનું સંકલન)
(૨) વિદ્યાવિભૂતિ મુનિશ્રી પુણ્યવિજયજી
અહિંસા અને કરુણાના મંગલમય માર્ગે આત્માને નિર્મળ, સર્વમિત્ર અને સતુ-ચિતુ-આનંદમય બનાવવામાં સહાયરૂપ થાય એ સાચી જીવનસાધના, અને જે પોતાની જાતના અને વિશ્વના સત્યસ્વરૂપનું સુરેખ દર્શન કરાવવામાં ઉપયોગી થાય એ યથાર્થ જ્ઞાનોપાસના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org