________________
આચાર્ય વિજયોદયસૂરિજી
૧૯૫
એવા સંખ્યાબંધ શિષ્ય-પ્રશિષ્ય જૈનસંઘને ભેટ આપી શક્યા. એ બધાયમાં, જ્ઞાન અને ચારિત્ર, એ બંનેની નિયમ અને નિષ્ઠાભરી આરાધનાની કસોટીએ, સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીનું સ્થાન શિરોમણિ-સમું હતું. એ પ્રતાપ હતો એમણે જીવનભર વિશુદ્ધ બુદ્ધિ અને અનન્ય ધર્મશ્રદ્ધાથી કરેલ બાહ્ય તેમ જ વિશેષ આપ્યંતર તપનો અને બેનમૂન ગુરુભક્તિનો.
દીક્ષાનો સ્વીકાર કર્યો એ જ ક્ષણથી મુનિશ્રી ઉદયવિજયજી દેવ, ગુરુ અને ધર્મને સર્વભાવે સમર્પિત થઈ ગયા, અને દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્કટ, નિર્મળ સાધના એ જ એમનો નિત્યનો જીવનક્રમ બની ગયો. ભવભીરુતા અને પાપભીરુતા તો તેઓની જ !
જ્ઞાન અને ક્રિયાના આવા ઉત્કટ સાધક મુનિવર અનેક વિદ્યાઓને આત્મસાત્ કરીને શાસ્ત્રપારગામી વિદ્વાન બને એમાં શી નવાઈ ? આમ છતાં, ક્યારેક એમને કોઈક સાથે શાસ્ત્રીય બાબતની વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે કે સંયમની આરાધનાના મહેરામણની પાછળ જ્ઞાનનો પણ કેવો મહાસાગર લહેરાઈ રહ્યો છે.
ધર્મશાસ્ત્રો ઉપરાંત જ્યોતિષશાસ્ત્રનું તેઓનું જ્ઞાન પણ ઘણું ઊંડું હતું. તેથી તેઓએ પ્રતિષ્ઠા, દીક્ષા, જિનમંદિરો-ઉપાશ્રયોનાં ભૂમિખનન કે શિલાન્યાસનાં તેમ જ બીજા અનેક ધર્મોત્સવોનાં હજારો શુભ મુહૂર્તો કાઢી આપ્યાં હતાં. ધર્મકાર્યોનાં મુહૂર્તોની બાબતમાં જૈનસંઘમાં તેઓ અને તેમના પટ્ટધર આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની (ઉદય-નંદનની જોડીની) કેટલી બધી નામના હતી તે સુવિદિત છે. આવાં મુહૂર્તો આપવામાં તેઓની ઝીણવટભરી ચોકસાઈનો જેમ મોટો હિસ્સો હતો, તેમ તેઓની ‘સહુ કોઈનું ભલું થાઓ' એવી સાધુજીવનને ઉચિત એવી સહજ મનોવૃત્તિ પણ પ્રેરક હશે.
જેમ-જેમ સાધુજીવનની સાધના આગળ વધતી ગઈ, તેમ-તેમ તેઓની આત્મશોધનની અંતર્મુખ વૃત્તિ પણ વધુ ઘેરી બનતી ગઈ. આને લીધે તેઓનું જીવન માયા, પ્રપંચ, હઠાગ્રહ જેવી મલિન વૃત્તિ કે પ્રવૃત્તિથી મુક્ત રહી શક્યું હતું. કીર્તિ, માન-પ્રતિષ્ઠા કે નામનાની કામના એમને સતાવી શકી ન હતી. સેંકડો વિધિવિધાનો અને ક્રિયાકાંડો કરાવવા છતાં એમનું ચિત્ત વધારે પડતું બહિર્મુખ બનીને બાહ્ય આડંબરોમાં રાચવાને બદલે, પોતાની આંતરિક ગુણસંપત્તિમાં જ નિરત રહેતું.
વિ. સં. ૧૯૬૯માં કપડવંજમાં તેઓને ગણિપદ તેમજ પંન્યાસપદ, વિ. સં. ૧૯૭૨માં સાદડીમાં ઉપાધ્યાયપદ તથા વિ. સં. ૧૯૭૯માં તેઓના વતન ખંભાતમાં આચાર્યપદ આપવામાં આવ્યું હતું. પોતાના ગુરુવર્યની આજ્ઞાને માન્ય રાખવા માટે જ તેઓએ આ પદવીઓનો સ્વીકાર કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org