________________
આચાર્ય વિજયવલ્લભસૂરિજી
૧૩૯
આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ એવી સંસ્થાઓ ઉત્તરોત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયજ્ઞતા અને નિર્મોહીપણાનો ફાળો કંઈ જેવો-તેવો નથી. કોઈ પણ સંસ્થાના સંચાલનમાં દખલગીરી કરવાથી તેઓ હમેશાં દૂર જ રહેતા, અને દરેક સંસ્થા પોતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસક્તિ કે અલિપ્તતા અતિવિરલ જોવા મળે છે.
આવી જ નિર્મોહવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તો તેઓને છેક વિ. સં. ૧૯૫૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતી કરી હતી; પણ મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિનમ્રતાપૂર્વક એનો ઇન્કાર કર્યો હતો. આ પછી છેક ચોવીસ વર્ષે, વિ. સં. ૧૯૮૧માં પંજાબ શ્રીસંઘના આગ્રહને વશ થઈને લાહોરમાં તેઓએ આચાર્યપદનો સ્વીકાર કર્યો હતો.
વિ. સં. ૨૦૦૬માં જૈન કૉન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું, ત્યારે સંઘની એકતાના મનોરથ સેવતા અને એ માટે દિન-રાત પ્રયત્ન કરતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે કહ્યું હતું : “જો આપણા સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તો હું મારું આચાર્યપદ છોડવા તૈયાર છું”. કેવી ભવ્ય ઝંખના ! આ જ રીતે તેઓ ઇચ્છતા હતા કે જૈનોના પ્રત્યેક ફિરકામાં પણ એકતા સ્થપાય.
એક વાર આચાર્યશ્રી પાલનપુર ગયા. એમના જાણવામાં આવ્યું કે સંઘમાં કુલેશ છે. એમનો આત્મા કકળી ઊઠ્યો. એ વખતે જેઠ મહિનો ચાલતો હતો. ગરમી એવી પડતી હતી કે પંખીઓ પણ બહાર નીકળતાં ન હતાં. આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બોલાવીને કહ્યું કે જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખ્ત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંઘ તરત જ સમજી ગયો.
ગુજરાનવાલાના ગુરુકુળને નાણાંની મોટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું; “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગોળખાંડ બંધ.” થોડા દિવસોમાં જ સંસ્થાની ટહેલ પૂરી થઈ ગઈ.
વિ.સં. ૨૦૦૮માં જૈન કૉન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે કૉન્ફરન્સનું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે કંઈક નક્કર કામ કરવાનો અનુરોધ કર્યો. કૉન્ફરન્સના મોવડીઓએ એ આદેશને ઝીલી લીધો તો ખરો, પણ એ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી. એટલે આચાર્યશ્રીએ જાહેર કર્યું કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી મારે દૂધ બંધ. જૈનસંઘે થોડા વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી; આચાર્યશ્રીનું સંઘનાયકપદ ચરિતાર્થ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org