________________
૧૬૮
અમૃત સમીપે નથી. આજે મધ્યમવર્ગનાં આપણાં ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યો છે. જો મધ્યમવર્ગ જીવતો રહેશે તો જ જૈન-જગતુ પણ ટકી રહેશે. ધનિકવર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.
સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ અમારે અમારા જીવનની પળેપળનો હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો. મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય, તે આપવાનું કેમ ભૂલી શકાય ?
સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી, પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે.
“સેવા, સંગઠન, સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એનો પ્રચાર - આ પાંચ બાબતો ઉપર જ જૈનસમાજની ઉન્નતિનો આધાર છે.
“બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે.”
પંજાબમાં એકધારાં ૧૯ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો, ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને શું-શું કરવાની જરૂર છે તે અંગેના એમના વિચારો પરિપક્વ થઈ ચૂક્યા હતા, અને હવે તો એને રચનાત્મક સ્વરૂપ આપવાની જ જરૂર હતી. યોજનામાં મુખ્યત્વે બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી : એક તો જૈનસંઘની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણ-સંસ્થાઓ કે વિદ્યાર્થીગૃહો સ્થપાવવાં, અને બીજી : સમાજના જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી; જેમ કે એ માટે મોટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહની સ્થાપના કરવી.
ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું; અને તેઓના આ પુરુષાર્થને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીગૃહો સ્થપાયાં. આ ઉપરાંત આજથી ૫૫ વર્ષ પહેલાં, મુંબઈમાં સ્થપાયેલ અને સમય જતાં અનેક શાખાઓરૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પણ આચાર્યશ્રીની પ્રેરણા અને ભાવનાનું જ ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org