SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ અમૃત સમીપે તમન્નાનું સૂચન કરવા સાથે તેમની સત્યગામી અને ગુણગ્રાહી અનેકાંતદષ્ટિનું આલાદકારી દર્શન કરાવે છે. જૈનધર્મે જીવનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના જીવો સાથે મૈત્રી કેળવવાનો આદેશ આપ્યો છે. યુગદર્શ આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પોતાના હૃદયને વિશાળ, કરુણાપરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું, અને પોતે સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યો હતો. કોઈનું પણ દુઃખ-દર્દ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણનો શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એમને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તો સર્વના હિતચિંતક એક આદર્શ લોકગુરુ જ બન્યા હતા. તેઓનું વતન વિદ્યા-કળા-સંસ્કારિતાની ભૂમિ વડોદરા. તેઓની જ્ઞાતિ વિશાશ્રીમાળી, પિતાનું નામ દીપચંદભાઈ, માતાનું નામ ઇચ્છાબહેન, પોતાનું નામ છગનલાલ. કુટુંબ ખૂબ ધર્મપરાયણ, એટલે છગનલાલને પારણે ઝૂલતાં-ઝૂલતાં જ ધર્મસંસ્કારનું પાન કરવાનો સુયોગ મળ્યો હતો. દશ-બાર વર્ષની ઉંમર થતાં-થતાં તો પિતા અને માતા બંનેની છત્રછાયા ઝુંટવાઈ ગઈ. મરણપથારીએ પડેલી માતાએ પોતાના પુત્રને આ જન્મમાં તેમ જ જન્માંતરમાં પણ ઉપયોગી થાય એવી શિખામણ આપતાં કહ્યું : “બેટા, અહંતનું શરણ સ્વીકારજે, અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધનને મેળવવામાં અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” છગનને એકલવાયું ન લાગે અને એનું ચિત્ત પ્રસન્ન રહે એ માટે બંને મોટા ભાઈઓ – શ્રી હીરાભાઈ અને શ્રી ખીમચંદભાઈ – ખૂબ તકેદારી રાખતા. પણ છગનલાલનો જીવ કંઈક જુદી જ માટીનો હતો; એનું ચિત્ત ઘરસંસારનો ત્યાગ કરીને ત્યાગધર્મની દીક્ષા લેવા માટે ઝંખી રહ્યું. અને એવો પુણ્ય અવસર પણ આવી ગયો. વિ. સં. ૧૯૪રમાં જૈનસંઘના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ વડોદરા પધાર્યા. એમની ધર્મદેશના છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ભાગવતી દીક્ષા લેવા તત્પર થઈ ગયો. હવે સંસારનું બંધન એને એક પળ માટે પણ ખપતું ન હતું. છેવટે, મોટા ભાઈઓ અને કુટુંબીજનોની નારાજી વહોરીને પણ, એણે વિ. સં. ૧૯૪૩ની સાલમાં, રાધનપુરમાં, શ્રી આત્મારામજી મહારાજ પાસે મુનિ હર્ષવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ રાખ્યું મુનિ શ્રી વલ્લભવિજય. - છગનનો આત્મા ખૂબ આહ્વાદ અનુભવી રહ્યો. એક પળ પણ નિરર્થક વિતાવવાને બદલે તેઓ ગુરુસેવા અને જ્ઞાનચારિત્રની આરાધનામાં લાગી ગયા; શ્રી આત્મારામજી મહારાજના તેઓ ખૂબ પ્રીતિપાત્ર બની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy