SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ અમૃત-સમીપે ભાગી બન્યા છે. જૈનધર્મના તેમ જ અન્ય ધર્મોના ઇતિહાસમાં આવા અનેક પ્રેરક દાખલાઓ મળી આવે છે. સત્તાધારીઓ ઉપર આવો ધર્મપ્રભાવ પડવાને લીધે લોકકલ્યાણ અને અહિંસા યા જીવરક્ષાનું કામ વ્યાપક પ્રમાણમાં થઈ શકે છે, અને લાંબા વખત સુધી ટકી પણ શકે છે. ઉપરાંત ‘યથા રાખા તથા પ્રના' એ ન્યાયે, એની અસર સામાન્ય જનસમૂહ ઉપર પણ પડ્યા વગર રહેતી નથી. વિક્રમની ૧૭મી સદીમાં થયેલા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી જૈનશાસનના આવા જ એક પ્રભાવક જ્યોતિર્ધર અને સર્વકલ્યાણવાંછુ મહાપુરુષ હતા. તેઓ જેવા જ્ઞાની હતા એવા જ વ્યવહારદક્ષ, વિચક્ષણ, અપ્રમત્ત હતા; અને એવું જ નિર્મળ, તેજસ્વી હૃદયસ્પર્શી એમનું ચારિત્ર હતું. સમભાવ, ઉદારતા અને અપાર કરુણાનો ત્રિવેણીસંગમ એમના જીવનમાં સધાયો હતો. આવા ગુણસમૃદ્ધ અને સરળ સાધુતાથી શોભતા મહાપુરુષના જીવનનો પ્રભાવ સહજપણે એમના સહવાસમાં આવના૨ ઉપ૨ પડતો અને એને ધર્મના સુભગ રંગે રંગી દેતો. મોગલ સમ્રાટ અકબરનું આવું જ બન્યું હતું. આમ જોઈએ તો અકબરશાહ ખૂબ વિલાસી અને બહુ જ રસિક રાજવી હતો. એની સ્વાદવૃત્તિ પણ દયા કે કરુણાના સીમાડાને ભાગ્યે જ સ્વીકારતી, અને છતાં વિશ્વના મોટા-મોટા ઇતિહાસકારોએ પણ એને આદર્શ સમ્રાટ તરીકે બિરદાવ્યો છે. એ બાદશાહ ધર્મ અને જન્મે મુસલમાન હોવા છતાં એનામાં ઉદારતા, પ્રજાવત્સલતા, મૂળ ધર્મતત્ત્વની જિજ્ઞાસા, મનમાં વસેલી વાતનો પોતાની ધર્મપરંપરાની ચિંતા કર્યા વગર અમલ કરવાની હિંમત અને જ્ઞાનીજનોનો આદર કરવાની ભાવના વગેરે ગુણોનું એવું તો મિશ્રણ થયું હતું કે એના લીધે એની અનેક મર્યાદાઓ અને ક્ષતિઓ ઢંકાઈ ગઈ હતી અને એક મહાન સમ્રાટ તરીકેની નામના એને વરી હતી. બધા ય સંપ્રદાયો કે ધર્મોના અનુયાયીઓને ધર્મસ્નેહ અને એકતાને સૂત્રે બાંધી શકે એવો બધા ય ધર્મોના સાર-રૂપ ‘દીને ઇલાહી' નામે એક નવો ધર્મ પ્રવર્તાવવાની એની યોજના અને આકાંક્ષા ભલે સફળ ન થઈ, પણ એથી એની લોકહિતની ભાવના તો વિખ્યાત થઈ જ. આવા એક મહાન સમ્રાટ ઉપર હીરવિજયસૂરિજીએ અસરકારક પ્રભાવ પાડીને એની પાસે જીવદયાનાં અને બીજાં અનેક સત્કાર્યો કરાવ્યાં હતાં એ બીના જ આ આચાર્યપ્રવરના અંતરમાં પ્રખર જ્ઞાન અને નિર્મળ ચારિત્રનું કેટલું હીર અને ખમીર સમાયેલું હતું એનો સચોટ ખ્યાલ આપે છે. આવા મહાન પ્રભાવશાળી શાસનનાયક આચાર્યની સ્વર્ગારોહણ-તિથિ (ભાદરવા સુદિ ૧૧) આવતી કાલે આવે છે, એવે પ્રસંગે એમનું પુણ્યસ્મરણ કરવું ઇષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy