________________
અમૃત–સમીપે સાદું જીવન અને ઊંચા વિચારોના તો પ્રેમીજી અવતાર જ હતા. સરળ સ્વભાવ અને સાત્ત્વિક વૃત્તિ એમને જન્મ સાથે જ મળ્યાં હતાં. કષ્ટ સહન કરવામાં તેઓ કદી પાછી પાની ન કરતા. સને ૧૯૩૨ની સાલમાં, પ્રેમીજીની ૫૦ વર્ષની આધેડ ઉંમરે, એમનાં પત્ની રમાબાઈ ગુજરી ગયાં, અને ૯૧ વર્ષની ઉંમરે એમનો એકનો એક પુત્ર હેમચંદ્ર ૩૩ વર્ષની ભરયુવાન વયે ગુજરી ગયો! આ દુઃખ એમણે ભારે સમભાવપૂર્વક સહન કર્યા, અને જાણે પોતાની સાચી ધાર્મિકતાની પ્રતીતિ કરાવી આપી. અત્યારે એમની પાછળ એમનાં પુત્રવધૂ શ્રી ચંપાબહેન અને બે પૌત્રો યશોધર અને વિદ્યાધર અને એ બેની પૌત્રવધૂઓ છે.
એમની જિજ્ઞાસા સદા વર્ધમાન હતી. વિદ્વાનો અને વિદ્યાર્થીઓના તેઓ સાચા સલાહકાર, માર્ગદર્શક અને સહાયક હતા. કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં સપડાઈ હોવાનું જાણવા મળે કે પ્રેમીજીની સહાય ચૂપચાપ એની પાસે પહોંચી જ જાય. હિન્દીના અનેક ઊગતા લેખકો પ્રેમીજીના પ્રોત્સાહનથી આગળ વધ્યા છે, એ હકીકત પ્રેમીજીના જીવનનું એક સુવર્ણપૃષ્ઠ બની રહે એવી છે.
એમની સત્યશોધક ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા રૂઢિચુસ્તોને ખૂબ નારાજ કર્યા હતા. પણ “સાચું અને સારું તે મારું” એવી ઉચ્ચ કોટિની ગુણગ્રાહક દૃષ્ટિ ધરાવતા પ્રેમીજીને મન એ નારાજી કે એવા વિરોધનો જરા ય ડર ન હતો. અસત્ય, અજ્ઞાન અને અંધશ્રદ્ધાની સામે એમનો આત્મા બળવો પોકારી ઊઠતો. અને તેઓ ભલભલા ધર્મગુરુઓ કે શ્રીમંતોની ટીકા કરતાં પણ અચકાતા નહીં.
એક વાર પં. બેચરદાસજીએ આગમોનો અનુવાદ કરવાનું બીડું ઝડપ્યું, તો એમની સામે વિરોધનો જબરો વંટોળ ઊઠ્યો; અરે, ધમકીઓ સુધ્ધાં અપાઈ. એવે વખતે પ્રેમીજી પંડિતજીની સાથે રહ્યા અને એમના કામને પૂરું પ્રોત્સાહન આપ્યું.
તેઓ એક પ્રખર સમાજ-સુધારક હતા. કુરૂઢિઓની સામે થવું અને તેઓ પોતાની ફરજ સમજતા. ગુરુવાદ કે આંધળી અને કટ્ટર સાંપ્રદાયિકતાની સામે તેઓ હંમેશાં પોતાનો ઉગ્ર વિરોધ જાહેર કરતા. એક વાર તો એમના ઉગ્ર સુધારકપણાને કારણે એમને જ્ઞાતિથી બહિસ્કૃત પણ થવું પડ્યું હતું. પણ એમ હારી જાય એવી કાચી માટીના તેઓ ન હતા.
તેઓ બહુશ્રુત અને તલસ્પર્શી વિદ્વાન હોવા છતાં એનું અભિમાન એમને સ્પર્શી શક્યું ન હતું. એમને મળવું અને એમની સાથે વાત કરવી, એ સત્સંગ કરતાં ય કંઈક વધારે મહત્ત્વનું હતું. એમની સાથે થોડીક પણ વાતચીત કરનારના અંતર ઉપર એમની સરળતા, વિદ્વત્તા, સત્યપરાયણતા, રૂઢિભંજકતા, પ્રખર સુધારકતા, મક્કમતા અને વિવેકશીલતાની છાપ પડ્યા વગર ન રહેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org