________________
પંડિત શ્રી નાથુરામજી પ્રેમી
૯૧
પોતાની સંસ્થાનો વિકાસ પોતાના બળે જ ક૨વો અને એ માટે મુદ્દલ દેવું ન કરવું એ એમનો દૃઢ નિર્ણય હતો.
પછી તો ‘હિંદી ગ્રંથરત્નાકર' એ પ્રેમીજીને મન શ્વાસ અને પ્રાણરૂપ સંસ્થા બની ગઈ. એને માટે, એક કાબેલ ઝવેરીની જેમ, ઉત્તમ કોટિના ગ્રંથો પસંદ કરવા, એને સુઘડરૂપમાં પ્રકાશિત કરવા અને એનો ખૂબ પ્રચાર કરવો, એ જ એમનો નિત્યનો વ્યવસાય બની ગયો. અનેક પ્રસિદ્ધ હિન્દી લેખકોના પહેલા પુસ્તકનું પ્રકાશન કરવાનું માન પ્રેમીજીની આ સંસ્થાને મળ્યું છે. આમ અત્યારે તો આ સંસ્થા હિન્દી ભાષાના સાર્વજનિક પુસ્તકોનું પ્રકાશન કરનાર એકમાત્ર નામાંકિત સંસ્થા બની ગઈ છે; એણે પ્રેમીજીને કીર્તિ પણ અપાવી અને સંપત્તિ પણ અપાવી.
પોતાની સંસ્થાનો ભાર વહન કરવાની સાથોસાથ સંઘમાંથી દસ હજાર રૂપિયા જેટલો ફાળો એકત્ર કરાવીને પ્રેમીજીએ પ્રાચીન જૈન ગ્રંથોના પ્રકાશન માટે ‘શ્રી માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાળા'ની સ્થાપના કરાવી; અને વર્ષો સુધી એના માનાર્હ મંત્રી તરીકે કામ કર્યું. શ્રી પ્રેમીજીની ચીવટભરી દોરવણીને કારણે આ સંસ્થા અનેક પ્રાચીન જૈન ગ્રંથોનું પ્રકાશન કરી શકી. પિસ્તાલીસ જેટલાં પુસ્તકોના પ્રકાશન બાદ એ કામ એમણે, કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગર, બીજાઓને સોંપી દીધું.
પ્રેમીજીએ પોતે પણ ૩૦-૩૨ ગ્રંથોનું લેખન-સંશોધન કર્યું છે એ બીના એમની વિદ્યાસેવા અને વિદ્યાપ્રીતિને બતાવવા બસ થવી જોઈએ.
વિશિષ્ટ વ્યક્તિત્વ
પ્રેમીજીનું વ્યક્તિત્વ આગવું જ હતું એમ કહી શકાય. કોઈ પણ જાતનો આડંબર એમને રુચતો નહીં. નામનાની એમને જરા પણ ખેવના રહેતી નહીં. પ્રશંસાથી તેઓ હંમેશાં દૂર રહેતા. પ્રામાણિકતા તો એમને મન પ્રાણથી પણ વિશેષ હતી.
એક વા૨ એક લેખકે પ્રેમીજીને લખ્યું ઃ તમારાં અમુક-અમુક પુસ્તકોને મારા પ્રયત્નથી અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે, માટે તમે મારું આ પુસ્તક છાપી દેજો. પ્રેમીજી તો આવા અનુચિત સોદા માટે મુદ્દલ તૈયાર ન હતા. એમણે એ પુસ્તક તરત પાછું વાળી દીધું, અને થોડા વખતમાં એમનાં પુસ્તકોને પાઠ્યક્રમમાંથી રુખસદ મળી ગઈ. પણ એની એમને જરા ય ચિંતા ન હતી. એક વાર કોઈ વેપારી સાથેના હિસાબમાં એક હજાર રૂપિયાની ભૂલ એમને દેખાઈ, તો ચાર વર્ષે એ રકમ પેલા વેપારીને પાછી આપી ત્યારે જ એમને જંપ વળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org