________________
80
જિનમાર્ગનું જતન
આવી શકે એમ છે અને ક્યાં-ક્યાં મુશ્કેલીઓ ઊભી થાય એમ છે એની કેટલીક વિચારણા કરવા ધારી છે; કારણ કે આ માટેની આખરી-નિર્ણયાત્મક વિચારણા કરીને એ માટેના નક્કર પ્રયત્નો હાથ ધરવામાં આવે એ માટે આવી સંભવિત મુસીબતોનો ખ્યાલ મેળવી લેવો ઈષ્ટ, ઉપયોગી તેમ જ આવશ્યક છે.
દૈવી અને આસુરી વૃત્તિઓના ઢંઢરૂપ એકતાની સર્વકલ્યાણકારી ભાવના અને અલગતાની સ્વાર્થપરાયણ ભાવના એ બંનેનું અધિષ્ઠાન માનવીનું મન જ છે. જેઓ સ્વાર્થ-સાધનાની હીનવૃત્તિથી મુક્ત બનીને સર્વના કલ્યાણની ઝંખના સેવતા હોય છે અને સર્વના કલ્યાણમાં જ પોતાનું કલ્યાણ સમાઈ જતું માને છે, તેઓ સદા સંપ અને એકતા જેવી દૈવી ભાવનાઓનું જ સ્વાગત કરે છે. જેઓ વ્યાપક દૃષ્ટિએ સર્વ કોઈનું ખરા દિલથી ભલું ચાહવાને બદલે અને એ માટે નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવાને બદલે પોતાનો જ સ્વાર્થ સાધવા ઇચ્છતા હોય, કે પોતાના માનેલ નાનાસરખા વર્તુળનું જ ભલું કરવામાં રસ ધરાવતા હોય, તેઓ એકતાનો “ભવ્ય' માર્ગ મૂકીને અલગતાનો ‘અભવ્ય માર્ગ જ અપનાવે છે. પરિણામે રાષ્ટ્રરૂપે, સંઘરૂપે કે સમાજરૂપે જ્યાં જ્યાં માનવસમૂહો રચાયા છે, ત્યાં એકતા અને અલગતાનાં દૈવી અને આસુરી તત્ત્વો વચ્ચે સંઘર્ષ થયા વગર રહેતો નથી. અને સામાન્ય જનસમૂહમાં સહજ રીતે ઘર કરીને રહેલાં અને ટૂંકી દૃષ્ટિ ને સંકુચિત મનોવૃત્તિ ધરાવતા ધર્મગુરુઓ દ્વારા સતત સિંચન પામતાં અજ્ઞાન, અંધશ્રદ્ધા અને અહંકારને કારણે સ્વાર્થસાધનાને જ મુખ્યતા આપતી અલગતાની ભાવના વિશેષ વ્યાપક બની રહે છે; આથી એકતાની ભાવનાને પ્રબળ બનાવવાનું અને એને મૂર્ત રૂપ આપવાનું કામ વિશેષ મુશ્કેલ બની જાય છે.
ધર્મનો મૂળભૂત ઉદ્દેશ અને ઉપયોગ તો માનવસમાજને આવી વાડાબંધીમાંથી મુક્ત કરીને વિશ્વમૈત્રી, વિશ્વકુટુંબ કે વિશ્વભ્રાતૃત્વની ભાવનાના સર્વમંગલકારી માર્ગે વાળવાનો જ છે; પણ જ્યારે દુર્ભાગ્ય જાગી ઊઠ્યું હોય ત્યારે, જેમ જળમાંથી જ જ્વાળા જાગી ઊઠે છે, તેમ વિશ્વમૈત્રી ને વિશ્વશાંતિના હામી એવા ધર્મના નામે જ માનવસમૂહો વચ્ચે ક્લેશ, દ્વેષ અને કંકાસનાં બીજ રોપાય છે, અને મોટે ભાગે અદૂરદર્શી અને અણસમજુ ધર્મગુરુઓના હાથે જ એ બીજને વધારે પોષણ મળે છે. આવી વિચિત્ર અને વિલક્ષણ સ્થિતિમાં, જેઓને એકતા પ્રત્યે સાચી પ્રીતિ અને ભક્તિ હોય એમણે, સૌ પ્રથમ, માનવજાતના મંગલ ભાવિમાં દઢ આસ્થા રાખીને, અપાર ધીરજ, સમતા, ક્ષમાશીલતા, કુનેહ અને કાબેલિયતથી એ માટે અદમ્ય અને અખંડ પ્રયત્ન અને પુરુષાર્થ કરવા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. આવા અવિરત પ્રયત્ન અને પુરુષાર્થનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે, ઓછું-અધૂરું આવે, કે ક્યારેક કમનસીબ ભવિતવ્યતાને બળે, કદાચ વિપરીત આવે તો પણ એ માટે પ્રયત્ન કરનારે તો નિરાશ કે હતોત્સાહ થવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org