________________
૬૨
જિનમાર્ગનું જતન આવો બેવડા લાભનો વેપાર કરવા તરફ અમે જૈનસંઘનું ધ્યાન આકર્ષિત કરવા સાથે, બર્લિન શહેરમાં પ્રગટાવવામાં આવેલ વિશ્વશાંતિના દીપકની જ્યોત અખંડ રહો અને હિરોશિમાનો વિશ્વશાંતિનો બાગ સદા હર્યોભર્યો રહો એવી પ્રાર્થના કરીએ
છીએ.
(તા. ૨૧-૧૧-૧૯૫૦) અહીં હૈયાધારણ માટે ઉમેરીએ કે જેમ જૈનધર્મનાં તત્ત્વો વિશ્વવ્યાપી છે, તેમ એના આચારો પણ એટલા જ સર્વકલ્યાણકારી છે. એનો એ રીતે પોતાને માટે લાભ લઈ જાણવો, અથવા બીજાઓને માટે ઉપયોગ કરી જાણવો એ આપણા પોતાના હાથની વાત છે; અને એનો આધાર આપણી સાચી સમજ અને આપણા નિષ્ઠાપૂર્ણ આચરણ પર છે. વિશ્વ તો સારી વસ્તુનો સ્વીકાર કરવા સદા તત્પર જ હોય છે; આપણે એ ન આપીએ તો એ આપણી જ ખામી સમજવી.
જાણીતા પુરાતત્ત્વવેત્તા મુનિશ્રી જિનવિજયજીએ બે-એક વર્ષ પહેલાં અજમેરમાં દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરિજીના મેળા પ્રસંગે આપેલ વિચાપ્રેરક ભાષણમાં જૈનતત્ત્વો અને ધર્મની ઉત્તમતા સમજાવવા સાથે એને જીવનમાં ઉતારવાની અને એનો સમુચિત પ્રચાર કરવાની જરૂર તરફ આમ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું હતું :
“મારાં લખાણોમાં લખ્યું છે કે લોકો જો એ વાતનો પક્ષપાતરહિત દૃષ્ટિથી વિચાર કરે કે માનવજાતિના સામૂહિક વિકાસ માટે જૈનધર્મે શું કર્યું અથવા એનું નૈતિક મૂલ્ય શું છે – તો એમ કહી શકાય કે દુનિયાની કોઈ પણ ફિલસૂફી જૈનધર્મથી ચઢિયાતી જોવામાં નથી આવતી. જૈનધર્મના પૂર્વાચાર્યોએ મનોમંથન કરીને જે સિદ્ધાંતો શોધી કાઢ્યા છે તે સર્વશ્રેષ્ઠ છે. પરંતુ એની પ્રશંસા કરવા માત્રથી કામ ન ચાલે. જો આપણે અનેક મીઠાઈઓનાં વખાણ જ કર્યા કરીએ, અને હાથ-પગ હલાવીને જો એ તૈયાર ન કરીએ, તો પેટ ભરાય નહીં. સાચી વાત એ છે કે શાસ્ત્રોની વાતોને પોતાના જીવનમાં ઉતારવામાં ન આવે તો એનો કશો અર્થ નથી.
એક સમય એવો હતો, જ્યારે શ્રાવકસમુદાય ઉપાશ્રયમાં બેસીને મુનિઓનાં પ્રવચનો સાંભળ્યા કરતો હતો. ઠીક છે; એ જમાનામાં એનો ઉપયોગ હતો. આજે તો આપણી દુનિયા ઉપાશ્રયની બહાર ગ્રામ, રાષ્ટ્ર અને વિશ્વમાં ફેલાઈ ગઈ છે. આપણે જૈન હોવાનો ગર્વ કર્યા કરીએ અને દુનિયા તરફ આંખો બંધ કરીને બેસી રહીએ તો એથી પ્રગતિ નહીં થઈ શકે. દુનિયાની ગતિ તરફ ધ્યાન રાખવાથી જ પ્રગતિ થઈ શકે.
“આપણે સાથે મળીને વિચાર કરવો જોઈએ અને સમયની ગતિને પિછાણીને આપણા સમાજમાં પ્રવેશી ગયેલા દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.”
(તા. ૯-૭-૧૯૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org