________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮
છે. એ ફરજને અદા કરીએ તો જ ધર્મની સુવાસને આપણે ફેલાવી શકીએ. એ સુવાસને ફેલાવવા જતાં આપણા ધર્મ-સંસ્કારો લૂંટાઈ જશે એવી ભીતિ સેવીએ તો તો આપણા ધર્મને આપણે પોતે જ પ્રાણહીન સાબિત કરી દઈએ. કવચ જો મજબૂત છે તો તેને શસ્ત્રોનો શો ભય? સરિતા જો નિર્મળ છે તો એને મળનો શો ભય ? આપણા ધર્મસંસ્કાર જો સ્થિર છે તો એને લાખ-લાખ કુસંસ્કારોની પણ શી પરવા?
પણ આપણામાં ઘર કરી ગયેલા વર્ણ, જ્ઞાતિ, કુળ કે સંપત્તિના અભિમાને આપણા ધર્મસંસ્કારના પાયાને કંઈક ડગાવી દીધો લાગે છે. જે ધર્મનો અમૃતમય આશ્રય પામીને આપણે સુખી થયા તે માનવમાત્રને સુખના માર્ગે દોરી શકે છે એ વાત આપણે ભૂલી ગયા લાગીએ છીએ. નહિ તો જીવમાત્રનું કલ્યાણ કરી શકે અને સમગ્ર વિશ્વને અમૃતમય ધર્મતત્ત્વથી રસી શકે એવા ઉમદા અને વિશાળ ધર્મને આપણે અત્યારના જેવો અતિસંકુચિત બનાવી દીધો ન હોત.
(તા. ૮-૧૧-૧૯૫૨) જૈનધર્મનો પ્રચાર કરવાના સીધા પ્રયત્નો છેલ્લા કેટલાક સૈકાથી આપણે કર્યા નથી એમ કહીએ તો ખોટું નથી. અલબત્ત, છેલ્લાં ૨૦-૨૫ વર્ષ દરમ્યાન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં આવા બે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા : પહેલો પ્રયત્ન તે સ્વ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીના વિદ્વાન શિષ્ય સ્વ. ઉપાધ્યાય શ્રી મંગળવિજયજીએ બંગાળમાં આરંભેલ સરાક જાતિના ઉદ્ધારનું કાર્ય. આ કાર્યમાં ઉપાધ્યાયજી મહારાજે પોતાનું જીવન અર્પણ કર્યું. પણ તેમની પછી એને બીજા સાધુઓનો સહકાર ન મળ્યો અને એ કાર્યનો વેગ ધીમો પડી ગયો. બીજો પ્રયત્ન તે પૂ. મુ. શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીએ શરૂ કરેલું યુ. પી. (મેરઠ જિલ્લા)માં પલ્લીવાલો વગેરેના ઉદ્ધારનું કાર્ય. પણ આ કાર્યનો વેગ તો બે-પાંચ વર્ષમાં જ ધીમો પડી ગયો. અને આજે (ડિસે. ૧૯૪૯માં) પૂ. ત્રિપુટીજી મહારાજ કે બીજા કોઈ મુનિવરો એ કાર્યને વેગ આપી શકતા નથી.
આપણું સંખ્યાબળ વધારવા માટે આવા પ્રયત્નો પૂરતા ન ગણાય. એ માટે આપણે ખ્રિસ્તી મિશનરીઓની જેમ બીજા ધર્મને હલકા પાડવાનો પણ પ્રયત્ન કરવાની જરૂર નથી; જરૂર છે જૈનધર્મની પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાની ભાવનાનો આપણે આપણા જીવન અને ઉપદેશ દ્વારા જનતાને સાક્ષાત્કાર કરાવવાની. આમ કરવાથી આપણને બેવડો લાભ થશે. એક તરફ આપણે જનકલ્યાણનો માર્ગ ખુલ્લો મૂકીશું અને બીજી બાજુ આત્મનિરીક્ષણ દ્વારા આપણા આત્માનું તેજ હરી લેતી સંકુચિતતાને દૂર કરી સર્વ કોમો સાથે વધુ એકતાનતા અને આત્મીયતાનો અનુભવ કરી શકીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org