________________
૪૩૨
જિનમાર્ગનું જતન આજના આપણા રાજ્યકર્તાઓને એમ લાગે છે કે આપણી સરકારે પોતે આગેવાની લઈને બુદ્ધ-યંતીની ઉજવણી કરવી જોઈએ. પરિણામે, બિનસાંપ્રદાયિક રાજનીતિને વરેલી સરકાર, દેશના અન્ય ધર્મના અનુયાયીઓને ટીકા કરવાનું સાચું કારણ મળે એટલી હદે પોતાની એ નીતિનો ત્યાગ કરીને, આવા ઉત્સવોમાં પોતાની શક્તિ અને સંપત્તિને કામે લગાડે છે. આનાથી એક ખોટો દાખલો એવો બેસવાનો કે બિનસાંપ્રદાયિક રાજનીતિને વરેલી સરકાર પણ કોઈ એક વિશિષ્ટ ધર્મનો ઉત્સવ ઊજવી શકે. આ દાખલો ભવિષ્યને માટે એક ચીલારૂપ બની જાય; અને ભવિષ્યમાં જ્યારે રાજ્યકર્તાઓમાં પલટો થાય – અને આવો પલટો તો થવાનો જ થવાનો – અને નવી સત્તાને પોતાને વળી કોઈ અમુક ધર્મ પ્રત્યે આદર હોય તો તેઓ પણ, આજે આપણા રાજદ્વારી પુરુષોએ પાડેલા ચીલે ચાલીને, પોતાના આદરને પાત્ર બનેલા અન્ય ધર્મનો ઉત્સવ ઊજવવા પ્રેરાય તો તેમને તેમ કરતાં ન તો આપણે અટકાવી શકીએ, કે ન દોષપાત્ર ઠરાવી શકીએ. અને પછી તો નવા-નવા આવનારાઓ પોતાના પુરોગામીઓના ચીલાને પકડીને પોતપોતાના ધર્મનો ઉત્કર્ષ સાધવા માટે જ પોતાની સત્તાનો ઉપયોગ કરવા લાગવાના. એટલે છેવટે બિનસાંપ્રદાયિક રાજ્યની આપણી પ્રતિજ્ઞા સાવ આધાર વગરની બની જવાની. અને રાજ્યવ્યવસ્થામાં સંપ્રદાયવાદ પેઠો, એટલે તો પછી આપણા દુઃખદાયક ભૂતકાળનું જ પુનરાવર્તન થવાનું, ને દેશની સ્વતંત્રતા જ જોખમમાં મુકાઈ જવાની.
બુદ્ધજયંતી ઉત્સવ પ્રત્યેના સરકારના આજના પગલામાં અમને ભવિષ્યના આવા અનિષ્ટનાં બીજો રહેલાં દેખાતાં હોવાથી જ સરકારે એનાથી અળગા રહેવું જોઈએ એમ અમે કહીએ છીએ.
અમારા આ કથનનો કોઈ એવો અર્થ ન કરે કે સરકારે પોતે આવા ઉત્સવોની આગેવાની કે જવાબદારી ન લેવી જોઈએ. બાકી તો કુંભમેળા કે એવા બીજા મેળાઓ કે ઉત્સવો વખતે તેમ જ દક્ષિણમાં શ્રમણબેલગોલા જેવા જૈનતીર્થમાં ગોમ્યુટસ્વામી - બાહુબલિજીની વિરાટકાય મૂર્તિના મસ્તકાભિષેક વખતે કે એવા કોઈ પ્રસંગોએ સરકાર યાત્રિકોની પૂરેપૂરી સગવડ આપવા માટે પોતાથી બનતું બધું જ કરે છે અને જરૂરી નાણાનું ખર્ચ પણ કરે છે. આ બુદ્ધજયંતી-ઉત્સવમાં પણ સરકારે જાતે આગેવાની અને મુખ્ય આર્થિક જવાબદારી લેવાને બદલે, એવું સહાયક થવાનું વલણ અખત્યાર કર્યું હોત તો કોઈને કહેવાપણું ન રહેત.
સરકાર પ્રત્યે કોઈ પણ જાતની ટીકા કે કડવાશનો ભાવ સેવ્યા વગર, કેવળ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ જે વિચારો અમને વ્યક્ત કરવા જેવા લાગ્યા તે નમ્રપણે છતાં સ્પષ્ટરૂપે અહીં રજૂ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org