________________
૪૩૧
સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૫ ભારતભૂમિમાં જ જન્મ પામેલ બૌદ્ધ સંસ્કૃતિ તરફ આપણા રાષ્ટ્રવિધાયકોનું ધ્યાન જાય એ સ્વાભાવિક છે.
વળી, એશિયાખંડના આપણા પડોશી અનેક દેશોમાં – જેમાં ચીન જેવા સુવિશાળ દેશનો અને સિલોન જેવા નાના દેશનો પણ સમાવેશ થાય છે – બૌદ્ધ ધર્મનો સારી રીતે પ્રચાર છે, અને તેના અનુયાયીઓની સંખ્યા પણ કરોડોની છે. તેથી પડોશના દેશોની સાથે રાજદ્વારી સંબંધ બાંધવાના એક ઉત્તમ માધ્યમ તરીકે – એટલે. કે શુદ્ધ રાજદ્વારી દૃષ્ટિએ – પણ બૌદ્ધ સંસ્કૃતિ તરફ દેશના આગેવાનોનું ધ્યાન વિશેષ દોરાય તો એમાં કશું જ અજુગતું નથી.
હવે જ્યારે માનવ માનવ વચ્ચેની સમાનતાની દૃષ્ટિએ, સાંસ્કૃતિક દૃષ્ટિએ તેમ જ પડોશી રાજ્યો સાથેની મૈત્રી ગાઢ બનાવવાની દષ્ટિએ : એમ અનેક રીતે આપણા રાજકીય નેતાઓ બૌદ્ધ ધર્મ પ્રત્યે આદર ધરાવતા હોય, ત્યારે એ બધાં ય દૃષ્ટિબિંદુઓને વધુ વેગ આપવાના હેતુથી ભગવાન બુદ્ધના નિર્વાણના ૨૫૦૦મા વર્ષનો મહોત્સવ દેશ-વિદેશના નામાંકિત બૌદ્ધધર્મીઓને આકર્ષે એ રીતે, રાજ્યનો પોતાનો ઉત્સવ હોય એવી સપાટીએ, મોટા પાયા ઉપર ઊજવવાનું મન થઈ આવે એ સમજી શકાય એવી વાત છે. એમ કરવાથી પોતાની જન્મભૂમિમાંથી જ છેલ્લા કેટલાય સૈકાઓથી લુપ્તપ્રાય થઈ ગયેલ બૌદ્ધધર્મ આ દેશમાં પુનર્જીવન પામે એવી પણ શક્યતા તેઓને લાગતી હોય. એટલે બુદ્ધ-જયંતી ઉત્સવ પાછળની સરકારની આવી બધી દષ્ટિઓનો વિચાર કરતાં, આ ઉત્સવ ઊજવવાને માટે સરકારને ઠપકો દેતાં અટકી જવાનું મન થઈ જાય એમ છે.
આ તો થયો સરકારના દષ્ટિબિંદુથી આ પ્રશ્નનો કેટલોક વિચાર. હવે આની સામે, આવા ધાર્મિક ઉત્સવોની આગેવાની સરકારે ન લેવી જોઈએ એવા અમારા પોતાના મતનો થોડોક વિચાર કરીએ.
અમને તો ચોક્કસ લાગે છે, કે આપણા રાજ્યબંધારણની બિનસાંપ્રદાયિક રાજ્યની નીતિને સાચા અર્થમાં સફળ કરી બતાવવી હોય, તો તે આવા ઉત્સવોમાં ઝંપલાવીને એની આગેવાની લેવાની વૃત્તિ ઉપર સંયમ દાખવીને જ સફળ કરી બતાવી શકાય; બીજી રીતે નહીં. પડોશી રાજ્યો સાથેની મૈત્રી ગાઢ બનાવવાની દૃષ્ટિએ આવા ઉત્સવો ભલે કદાચ તત્કાળ લાભદાયક લાગતા હોય, પણ એ કંઈક ટૂંકા લાભની દૃષ્ટિ છે; દેશની આંતર સુવ્યવસ્થાની લાંબી દૃષ્ટિએ વિચાર કરતાં તો આજની આ પ્રવૃત્તિ ભવિષ્યમાં કોઈક અનિચ્છનીય પ્રવૃત્તિ તરફ રાજસત્તાને દોરી જવાનો દાખલો પૂરો પાડે તો ના નહીં – એમ અમને લાગ્યા વગર રહેતું નથી.
આ વાત થોડીક વધુ સ્પષ્ટતાપૂર્વક જોઈએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org