________________
જિનમાર્ગનું જતન
(૭) સંપ્રદાયોની અંતઃસ્મૃદ્ધિની પરખા એક બાજુ સાંપ્રદાયિકતાને નામે ગમે તેને નિંદવાનો કે ઉતારી પાડવાનો એક સંપ્રદાય' સ્થપાતો જોઈને જેમ દિલગીરી થાય છે, તેમ બીજી બાજુ કોઈ-કોઈ વાર સાંપ્રદાયિકતાની સૂગમાં ન ફસાતાં, એમાં છુપાયેલ સારતત્ત્વોને ખોળી કાઢવાની વાત વાંચીએ છીએ ત્યારે અંતરમાં એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે અને મનમાં થાય છે કે આપણી વિવેકદષ્ટિ સાવ તો આંધળી નથી બની ગઈ.
આવો જ એક પ્રસંગ તા. ૨-૧૦-૧૯૪૯ના “પ્રજાબંધુ'માં જોવા મળે છે. એ અંકના તેરમા પાને છપાયેલ ગ્રંથાવલોકનમાં શ્રી “૨'-સંજ્ઞક લેખકબંધુએઆપણા પ્રસિદ્ધ વાર્તાકાર ભાઈશ્રી જયભિખ્ખના ‘વીરધર્મની વાતો'-ભાગ બીજાનું અવલોકન કરતાં, સાંપ્રદાયિકતા પ્રત્યે આપણે કેવું વલણ દાખવવું જોઈએ એ અંગે જે વિચારો રજૂ કર્યો છે તે સંપ્રદાયના નામે પરનિંદામાં અટવાઈ પડતા લેખકોએ પણ જાણવા જેવા છે; તેઓએ લખ્યું છે –
“વાર્તાઓ જૈન સાહિત્યની છે માટે એ માત્ર જૈનોને જ કામની એ માન્યતા બરાબર નથી. પ્રસ્તાવનામાં મુનિ દર્શનવિજયજી ફરિયાદ કરે છે, કે થોડા સમય પહેલાં એક રાષ્ટ્રીય પત્રના તંત્રીએ શ્રી જયભિખ્ખને “જેન ભિખુ'નો ખિતાબ એનાયત કર્યો હતો. આ મનોદશા સંકુચિત છે ને તે ઈષ્ટ નથી. સાંપ્રદાયિક સાહિત્ય બિનસાંપ્રદાયિક દૃષ્ટિથી રજૂ થતું હોય, ને એમાં જો થોડું-ઘણું ય “સાહિત્ય' નામને પાત્ર એવું તત્ત્વ હોય તો તેની ગુજરાતને જરૂર છે. સાંપ્રદાયિક સાહિત્યનો છેદ ઉડાડવા જઈશું તો ગુજરાતી સાહિત્યમાંથી ઘણી સુંદર કૃતિઓનો છેદ ઉડાડી દેવો પડશે. જયદેવનું “ગીતગોવિંદ' શુદ્ધ વૈષ્ણવ સંપ્રદાયનું કાવ્ય છે, પણ કોઈ પણ ધર્મનો કવિતારસિક એને વારંવાર વાંચવા લલચાશે. આપણા સાહિત્યનાં સુંદરમાં સુંદર ગીતો એ કદાચ વૈષણવ સંપ્રદાયનાં ગીતો હશે. દયારામનું સમગ્ર સાહિત્ય એ વૈષ્ણવી. અસરથી રંગાયેલું સાહિત્ય છે, છતાં ય એની ગરબીઓ પાછળ આખું ગુજરાત મુગ્ધ છે. એટલે સાહિત્યમાં જો સંપ્રદાય તરફ સૂગ કેળવીએ તો આપણે એ સાહિત્યને રદબાતલ જ કરવું પડે ! વૈષ્ણવ સંપ્રદાયનો એક પણ ગાદીધારી આચાર્ય અને એનો એક પણ ભક્ત નહિ હોય ત્યારે ય રસથી છલકાતું વૈષ્ણવ સાહિત્ય તો હશે જ. સાચા સાહિત્યનો કોઈ સંપ્રદાય નથી. શુદ્ધ સાહિત્યને ધર્મ, રાજકારણ, દેશ કે કાળ કરતાં માનવતા સાથે જ વધારે લાગેવળગે છે. એટલે જ ઈબ્સનનાં નાટકો અમદાવાદીઓ આનંદથી માણે છે ને “શાકુન્તલ' વાંચીને જર્મન મહાકવિ ગેટે ગાંડો ને ઘેલો થઈ જાય છે. માટે પ્રાચીન સાહિત્યની કૃતિઓને બહાર લાવવાના પ્રયત્નોને સાંપ્રદાયિક' કહીને ઉતારી પાડવાની જરૂર નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org