________________
૪૧૦
જિનમાર્ગનું જતન આશ્રમનું નિરીક્ષણ કર્યા બાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીએ જે ઉગારો કાઢ્યા હતા તે જૈન સમાજની પોતાના સહધર્મીઓ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિને ઠીકઠીક વ્યક્ત કરે છે. આ ઉદ્દગારો જૈનસંઘે ધ્યાનપૂર્વક વાંચવા-વિચારવા જેવા હોવાથી અહીં ઉદ્ધત કરીએ છીએ :
“ઘણાં સ્થળે, ગ્રામ-નગરોમાં પશુઓની પાંજરાપોળ જોવામાં આવે છે, પણ માણસોની પાંજરાપોળ તો અહીં જ મારા જોવામાં આવે છે. આવી પાંજરાપોળો સ્થળે-સ્થળે સ્થપાય અને એવાં અનાથ ભાઈ-બહેનોની સારસંભાળ લેવાય એ ઇચ્છનીય છે. આ જૈન આશ્રમમાં રહેતા નિરાશ્રિતોની પરિસ્થિતિ જોઈ હૃદય ભરાઈ આવે છે. આવા નિરાશ્રિતોના બેલી વિરલા જ નીકળે છે. કોઈ પણ જાતનો બદલો લેવામાં આવતો નથી. દેરાસર તેમજ ઉપાશ્રયાદિની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જેથી ધાર્મિક કાર્યો પણ થઈ શકે.”
આ રીતે જૈન આશ્રમ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કર્યા બાદ જૈન સમાજની વર્તમાન સ્થિતિ પરત્વે બોલતાં આચાર્ય મહારાજ કહે છે :
- “આપણે પશુઓની માવજત માટે પાંજરાપોળો બંધાવીએ છીએ અને તે અંગે સારો ખર્ચ કરીએ છીએ, તેવી જ રીતે આપણે આવા નિરાશ્રિત, અનાથ ધાર્મિક બંધુઓની રક્ષા માટે, એમના પાલન-પોષણ માટે કેટલો ખર્ચ કરીએ છીએ એ વિચારણીય પ્રશ્ન છે. મારી આપ સૌને ભલામણ છે, કે આવા આશ્રમો તરફ આપણું લક્ષ્મ જરૂર જવું જોઈએ.”
આ આશ્રમ જોઈને આ.મ.શ્રી વિજયસમુદ્રસૂરિજીના દિલમાં જે લાગણી થઈ આવી, તે, સમાજનાં ભાઈ-બહેનોનાં દુઃખે દિલમાં દુઃખની લાગણી અનુભવનાર સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીના વારસદારને શોભા આપે એવી છે.
આપણા શરીરના નબળા-સબળા દરેક અંગનું આપણે જે રીતે ચીવટપૂર્વક જતન કરીને આપણે તંદુરસ્ત અને સ્વસ્થ રહીએ છીએ, એ જ રીતે સમાજના પ્રત્યેક સ્ત્રીપુરુષની સમાજે સાચવણી કરવી જોઈએ. આખો સમાજ એ એક શરીરરૂપ જ હોઈને પ્રત્યેક સ્ત્રી-પુરુષ એનાં અંગ-પ્રત્યંગ જ ગણાય. સમાજનાં કોઈ પણ અવસ્થામાં સ્ત્રીપુરુષોની ઉપેક્ષાથી સમાજ પોતે નબળો પડ્યા વગર ન રહે.
અને આ રીતે પોતાનાં સ્ત્રી-પુરુષો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવીને જૈન સમાજ ઠીકઠીક કમજોર બની ગયો છે. કોણ જાણે કેમ, પણ જીવદયા કે પશુદયાની જેમ અશક્ત કે અસહાય માણસો માટે કંઈક નક્કર વ્યવસ્થા કરવી એ આપણી ફરજ છે એ આપણને સમજાતું નથી. અમને પોતાને તો આ કામ ભારે અગત્યનું અને તત્કાળ હાથ ધરવા જેવું લાગે છે. આગેવાનો અવશ્ય વિચારે.
(તા. ૧૭-૩-૧૯૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org