________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૬
૩પ૧
કરવાની ભાવના સેવે છે, એ માટે પ્રયત્ન કરતા રહે છે. આ હીરકમહોત્સવની પૂર્વતૈયારીરૂપે તા. ૨૨-૨-૧૯૬૭ના રોજ મુંબઈમાં એક કાર્યક્રમ યોજીને એમણે દોઢેક લાખ રૂપિયા જેવી સારી રકમ ભેગી કરી આપી, અને એમાં પોતા તરફથી લગભગ અડધી (સિત્તેરેક હજાર જેવી રકમનો ફાળો આપ્યો એ જાણીને ખૂબ આનંદ અને સંતોષ થાય છે. એમ કહેવું જોઈએ કે આવી સક્રિય કૃતજ્ઞતા દર્શાવવાની સાથે-સાથે સંસ્થાની લોકપ્રિયતામાં અને એના ગૌરવમાં વધારો કર્યો છે. અને બીજાઓને માટે એક અનુકરણીય અને ઉમદા દાખલો પૂરો પાડ્યો છે.
આ પ્રસંગે એક વાતની નોંધ લેતાં વિશેષ આનંદ થાય છે, કે દિલ્હીના શ્રીયુત રમણલાલ નગીનદાસ પરીખે તથા શ્રી ડો. ચીમનલાલ મોહનલાલ પાડટિયા, જેઓ બાલાશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં એક-એક ટ્રસ્ટસ્કોલર નીમવાના પોતાના હક્કનો લાભ બાલાશ્રમના એસ.એસ.સી.માં પાસ થઈને આગળ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને આપવાની જાહેરાત કરી છે. સાચે જ, આ એક ઉમદા અને તંદુરસ્ત પ્રણાલિકા સ્થાપવામાં આવી છે. આ માટે બંને મહાનુભાવોને ધન્યવાદ ઘટે છે. આ જાહેરાતને બાલાશ્રમના હીરક મહોત્સવની એક ફલશ્રુતિ લેખવી જોઈએ.
હીરક-મહોત્સવ પ્રસંગે શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈને ખુશી થવાને બદલે સર્વોચ્ચ શ્રેણીમાં કેટલા આવ્યા, કેટલા પહેલવાન બન્યા તે જોવાની જે સૂચના કરી છે તે ધ્યાન આપવા જેવી છે. એ જ રીતે મહોત્સવના પ્રમુખ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ હુન્નર, ઉદ્યોગ, ગૃહઉદ્યોગો અને વ્યાપારી શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપવાની જે વાત કરી છે, તે બિલકુલ સમયસરની છે. આમ પરિસ્થિતિના પલટાના પ્રમાણમાં શિક્ષણના વિષયો અને એની રીતરસમમાં પણ સમુચિત ફેરફાર અને નવી બાબતોનું સ્વાગત કરવામાં આવે તો જ સંસ્થાની ઉપયોગિતા ટકી રહે અને સમાજમાં તાજગીનું વાતાવરણ પ્રસરી શકે.
આ સંસ્થાના હીરક મહોત્સવની ઉજવણી પ્રસંગે એના અતિથિવિશેષ શ્રી જયંતીલાલ રતનચંદ શાહે સંસ્થા અને વ્યક્તિના આયુષ્ય વચ્ચેનો તફાવત દર્શાવતાં સાચું જ કહ્યું હતું કે “સંસ્થા અને માનવીના જીવનમાં ફેર છે. સંસ્થા પ્રગતિપૂર્વક આગેકૂચ કરે ત્યારે જુવાની આવે છે. ૬૦ વર્ષે માનવી જીવનબાજી સંકેલવાનું કરે છે, ત્યારે આ સંસ્થા ૬૦ વર્ષે જુવાનીમાં આવી પ્રગતિ સાધવાનું કરે છે. કાર્યકરો જાગૃત હોય તો સંસ્થાને ક્યારે પણ વૃદ્ધત્વ ન આવે !”
(તા. ૮-૪-૧૯૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org