________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫
૩૪૩
આ સંસ્થા દેશના જુદાજુદા વિભાગોમાંથી આવતી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનસંઘના દરેક ગચ્છની બહેનોને અને બાલિકાઓને સમાનપણે આવકારે છે, અને એમની કેળવણીનું અને એમને હાથે થઈ શકે એવા ઘરના હુન્નર-ઉદ્યોગનું શિક્ષણ આપવાનું કામ કરવાની સાથોસાથ એમને સારા પ્રમાણમાં ધાર્મિક શિક્ષણ મળી રહે અને એમનામાં ધર્મશ્રદ્ધા અને ધર્માચરણના ઊંડા અને દઢ સંસ્કારોનું સિંચન થાય એવો પૂરતો પ્રયત્ન કરે છે એ એની એક નોંધપાત્ર વિશેષતા છે.
છેલ્લા એક-દોઢ દાયકાથી તો સ્થિતિ એવી ઊભી થઈ છે, કે આ સંસ્થામાં દાખલ થવા માટે આવતી બધી અરજીઓને માન્ય કરવાનું અશકય બની ગયું છે. સંસ્થા પાસે મકાનની તથા બીજી જે સગવડ છે, તેનો પૂરેપૂરો લાભ આપીને અત્યારે મહામુશ્કેલીથી ૧૧૫ બહેનોને સંસ્થામાં રાખી શકાય છે. આથી ઘણા વખતથી એમ લાગ્યા કરતું હતું કે જે સંસ્થાએ દુઃખી બહેનોના વિસામાના સ્થાનરૂપે આવી નામના મેળવી છે, સાથે-સાથે શ્રીસંઘની પણ સારી ચાહના મેળવી છે, એનો લાભ વધુ બહેનોને મળી શકે એ માટે સૌથી પહેલી જરૂર છે સંસ્થા માટે નવા વિશાળ મકાનની. - સદ્ભાગ્યે આ વિચાર પ્રબળ થતો ગયો, સંસ્થાના કાર્યકરોનો પ્રયત્ન પણ વિશેષ વેગવાન બનતો ગયો અને શ્રીસંઘ તરફથી એનો જવાબ પણ ખૂબ પ્રોત્સાહક મળતો ગયો. ચારેક વર્ષની અવિરત મહેનતને અંતે, પાલીતાણામાં તળેટીને માર્ગે, આશરે અઢીસો બહેનોને રાખી શકાય એવું વિશાળ મકાન તૈયાર થઈ શક્યું છે. આમાં લગભગ નવ લાખ રૂપિયા જેટલું ખર્ચ થવાનો અંદાજ છે. આ મકાનમાં નવું જિનમંદિર પણ રાખવામાં આવ્યું છે. એ વાતની નોંધ લેતાં વિશેષ આનંદ થાય છે, કે હવે આ નવા આલીશાન મકાનનો ઉદ્ઘાટનવિધિ કરાવવાનો સુઅવસર આવી પહોંચ્યો છે.
આ રીતે આ સંસ્થાનો આવકારપાત્ર કાર્ય-વિસ્તાર થઈ રહ્યો છે, ત્યારે આપણે શ્રીસંઘને માટે એ જરૂરી બની રહે છે કે સંસ્થા પાસે સારું એવું ભંડોળ એકત્ર થાય એ રીતે એને વિશેષ આર્થિક સહાય આપવી. અત્યારે ૧૧૫ જેટલી બહેનોને રાખવામાં આવે છે. હવે પછી એ સંખ્યા લગભગ બમણી થઈ જશે ત્યારે એના કાયમી ખર્ચમાં કેટલો વધારો થવા પામશે એ સહેજે સમજી શકાય એવી બાબત છે.
અત્યારની સામાજિક જરૂરિયાત જોતાં તો એમ જ લાગે છે, કે આ સંસ્થાની શાખાઓ રૂપે કે સ્વતંત્ર રૂપે દેશના જુદાજુદા ભાગોમાં આવી અનેક સ્ત્રી-સંસ્થાઓ હોય. પણ એ તરફ તો આપણે જ્યારે ધ્યાન આપી શકીએ ત્યારે ખરા; દરમ્યાનમાં આ સંસ્થા વધુ સધ્ધર બને અને અત્યાર કરતાં પણ એનો વધારે વિકાસ થાય એવો વિશેષ સહકાર એને આપવો એ જૈનસંઘની ફરજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org